અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીનું નામ સતત ચર્ચામાં છે. 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિપુલ ચૌધરીના ગાંધીનગરમાં આવેલ નિવસ્થાને ACBની ટીમ વહેલી સવારે 4 વાગે ત્રાટકી હતી. વિપુલ ચૌધરીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
31 હજાર રોકડ કબજે
ગુજરાતમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પર 800 કરોડના કૌભાંડનો આરોપ છે. ત્યારે આ આરોપના પગલે માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી છે તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
શું છે સમગ્ર મામલો
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ACBના જોઈન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે વિગત આપતા કહ્યું હતું કે, વિપુલ ચૌધરીનો દૂધ સાગર ડેરીના કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. આ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ કામથી 800 કરોડથી વધુનું કૌભાંડ કર્યું છે. તેમને કાર્યકાળ દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી. તેમાં સરકારની ગાઈડલાઇન અને ટેન્ડરનું ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ કરી હતી. 485 કરોડના બાંધકામ કરાવ્યા હતાં જે બાંધકામ માટે પણ SOP નું પાલન કર્યું ન હતું અને ગેરરીતિ કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો.
પરિવારને સાથે રાખી કર્યું કૌભાંડ
વિપુલ ચૌધરીએ બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવ ખરીદી કરી 13 લાખની ગેરરીતિ કરી હતી. પ્રચાર પ્રસાર માટે જે એજન્સીને કામગીરી સોંપવાની હોય તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામ સોંપીને ગેરરીતિ કરી હતી. આ ઉપરાંત કૌભાંડથી ભેગા કરેલ રકમ માટે 31 કંપની ઉભી કરી હતી. આ 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી હતી. આ કંપનીમાં તેમના પત્ની અને પુત્ર પણ ડાયરેકટર હતાં.
આ પહેલા પણ વિપુલ ચૌધરીને થઇ છે જેલ
બે વર્ષ પહેલા અટલેકે, વર્ષ 2020માં પણ બનાસ ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી છે. વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા હતા પરંતુ પછી ભ્રષ્ટાચારના આરોપોને કારણે અમૂલ અને દૂધસાગર બંને હોદ્દાઓ તેમણે ગુમાવવા પડ્યા હતા. વિપુલ ચૌધરી પર પશુ આહારમાં 22 કરોડના કૌભાંડનો આરોપ હતો. 2018માં ટ્રિબ્યુનલ કોર્ટે રૂ. 22 કરોડના કથિત કૌભાંડના સંબંધમાં ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા.
ADVERTISEMENT