અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ શકે છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં AAP પણ ઝંપલાવી રહી છે. ત્યારે ચૂંટણીના ત્રીપાંખીયા જંગમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ કે AAP કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. ત્યારે ABP સી-વોટરના ઓપિનિયન પોલમાં આ વખતે કોની સરકાર રચાશે તેના પર ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોની સરકાર બની રહી છે?
ABP-C વોટરના સર્વે અનુસાર ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ મળતી હોવાનું અનુમાન છે અને અન્યના ફાળે 3-5 જેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
કેટલા ટકા લોકોએ કહ્યું સરકાર બદલવી છે?
સર્વેમાં સવાલ પૂછાયો હતો કે, ગુજરાતમાં કેટલા ટકા લોકો વર્તમાન સરકાર બદલવા માગે છે? સવાલના જવાબમાં 34 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું અને બદલવા માગે છે તેમ કહ્યું. જ્યારે 40 ટકા લોકોએ સરકારથી નારાજ હોવાનું સ્વીકાર્યું પણ બદલવા ન માગતા હોવાનું કહ્યું. જ્યારે 26 ટકા લોકોએ સરકારથી નારજ પણ નથી અને બદલવી પણ નથી તેમ જણાવ્યું હતું.
63 ટકાએ કહ્યું ભાજપની સરકાર ગુજરાતમાં બનશે
ABP C-વોટર સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે? જેમાં 63 ટકા લોકોએ ભાજપ, 9 ટકાએ કોંગ્રેસ તથા 19 ટકાએ AAP જીતશે એમ જણાવ્યું હતું. જ્યારે 2 ટકાએ અન્ય, 2 ટકાએ ત્રિશંકુ સરકાર તો 5 ટકા લોકો ખબર નથી એવો જવાબ આપ્યો હતો.
ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી
નોંધનીય છે કે, ગુજરાતની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ એકબાદ એક ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેના બીજા દિવસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે કલમમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને કેન્દ્રિય પદાધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટીની બેઠક યોજી હતી.
ADVERTISEMENT