Surat News: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભ ગૃહમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરેક રામ ભક્તોની પ્રથમ ઈચ્છા અયોધ્યા જવાની છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આસ્થા ટ્રેન (Aastha Train) દોડવામાં આવી રહી છે. ત્યારે સુરતથી અયોધ્યા જઈ રહેલી ટ્રેન પર મોડીરાત્રે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ADVERTISEMENT
મોડી રાત્રે નંદુરબાર નજીક થયો પથ્થરમારો
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી અયોધ્યા જવા માટે ગઈકાલે એટલે કે રવિવારે સાંજે 8 વાગ્યે આસ્થા ટ્રેન રવાના થઈ હતી. આ દરમિયાન રાત્રિના 10.45ની આસપાસ આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પહોંચતા કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ફેફડાટ ફેલાયો હતો. જોકે, આ પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નહતી.
ઉચ્ચ અધિકારીનો કાફલો દોડી આવ્યો ઘટનાસ્થળે
આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ નંદુરબાર રેલવે સ્ટેશન ખાતે દોડી આવી હતી. તો મુસાફરોની ફરિયાદ બાદ નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT