અમદાવાદ: ગુજરાત વિધાનસભાનો જનાદેશ આવી ચૂક્યો છે. એક બાદ એક ભાજપ રેકોટ તોડી રહ્યું છે આ વચ્ચે કોંગ્રેસ કપરી સ્થિતિમાં મુકાઇ ચૂક્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવાર જીત્યા છે. 2017માં આમ આદમી પાર્ટીને ફક્ત 28,000 જેટલા મત મળ્યા હતા ત્યારે આ ચૂંટણીમાં 40 લાખ જેટલા મત મળ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં નવી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર, ગારિયાધાર બેઠક સહિત 5 બેઠકો પર જીત મેળવી છે. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારની જ 4 બેઠકો છે. જ્યારે ડેડીયાપાડા બેઠક પર પણ આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીની જીત બાદ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે આદમી પાર્ટી 5 સીટો ઉપર જીતી છે, તેના માટે પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. 2017માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 28,000 મતદારો હતા ત્યાંથી આજે 40 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને આવકારી છે. જનતાએ મારા માટે, અલ્પેશભાઈ માટે, મનોજભાઈ માટે જે ચુકાદો આપ્યો છે તેના માટે હું કહેવા માંગુ છું કે વિશ્વની સૌથી મોટી પાર્ટી સામે વિશ્વની સૌથી નાની પાર્ટીએ મજબૂત ફાઈટ આપી છે, અને તે બદલ હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની હિંમત અને મનોબળ અડગ છે. અમે ફરી વખત લોકોની વચ્ચે જઈને જ્યાં કમી રહી ગઈ હશે, જ્યાં અમારો મેસેજ નહીં પહોંચી શક્યો હોય, અમારા સંગઠનની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી રહી ગઈ હશે, તે બધું સુધારશું અને ફરીથી મહેનત કરશું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે, એ નાના પગલાથી અમે આકાશ સુધી અમારી સફળતા પહોંચાડીશું.
આપને મળ્યા 13 ટકા મત
ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, 13 ટકા કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. પાંચ સીટો આમ આદમી પાર્ટીને મળી છે. કોઈ જગ્યાએ કચાસ નથી રહી ગઈ, માત્ર અમે નવી પાર્ટી છીએ, નાની પાર્ટી છીએ, અમારી પાસે પૈસા નથી, એટલે કદાચ અમે જે લક્ષ રાખ્યું હતું તે લક્ષ સુધી નથી પહોંચી શક્યા. પરંતુ હવે આવતા પાંચ વર્ષમાં અમે પાર્ટીનું સંગઠન મોટું કરીશું, પાંચ વર્ષ પછી અમારી પાર્ટી વધુ જૂની પાર્ટી થઈ ચૂકી હશે, અને મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ આ વખતે જેટલા મત આપ્યા છે એના કરતાં પણ ચાર ગણા વધુ મત 2027ની ચૂંટણીમાં આપશે. હું મારા જીવનની પહેલી ચૂંટણી લડી રહ્યો છું અને મને જનતાએ 55,000 કરતા પણ વધુ મત આપ્યા છે. આમાં મજા એ વાતની છે કે જે લોકો ચાર-ચાર ચૂંટણીઓ જીતીને બેઠા છે અને જો તેમને એક સમય પણ એવું લાગ્યું હોય કે અમારું શું થશે? તો એ અમારી નૈતિક જીત છે. ગુજરાતની જનતાએ 40 લાખ કરતા પણ વધુ મત આપીને આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપ્યો છે.
ગુજરાત માં આપ ના 5 ઉમેદવાર વિજેતા થયા
ઉમેશ મકવાણા- બોટાદ
સુધીર વાઘાણી- ગારીયાધાર
હેમંત ખવા- જામજોધપુર
ભુપેન્દ્ર ભાયાણી- વિસાવદર
ચેતર વસાવા- ડેડીયાપાડા
આપના આ નેતાની થઈ હાર
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિતના નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT