અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. તાજેતરમાં જ ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જોકે હજુ ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર નથી કરાઈ. આ વચ્ચે C-Voter એ ગુજરાત ચૂંટણીને લઈને વધુ એક સર્વે કર્યો છે. જેમાં PM મોદી માટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા કથિત રીતે કરાયેલી આપત્તિજનક ટિપ્પણી બાદ પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે. તેના પર લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી. બુધવારથી શુક્રવાર વચ્ચે કરાયેલા આ સર્વેમાં ગુજરાતના 1337 લોકોના મંતવ્ય લેવામાં આવ્યા. જોકે સર્વેના પરિણામો 3થી 5 ટકા આગળ-પાછળ હોઈ શકે છે.
ADVERTISEMENT
સર્વેમાં શું આપી લોકોએ પ્રતિક્રિયા?
C-Voter તરફથી આ સર્વેમાં લોકોને સવાલ કરવામાં આવ્યો હતો કે પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીએ સેલ્ફ ગોલ (પોતાનું નુકસાન) કર્યો છે? આ સવાલના જવાબમાં 58 ટકા લોકોએ કહ્યું, હા, AAPએ પીએમ મોદી માટે અપશબ્દનો ઉપયોગ કરીને સેલ્ફ ગોલ કર્યો છે. જ્યારે 42 ટકા લોકોનું માનવું છે કે તેનાથી આમ આદમી પાર્ટીએ કોઈ સેલ્ફ ગોલ નથી કર્યો.
જૂના વીડિયોને લઈને ગોપાલ ઈટાલિયા ચર્ચામાં
નોંધનીય છે કે ભાજપે હાલમાં જ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાના એક બાદ એક કેટલાક વીડિયો શેર કર્યા હતા. જેમાં એક વીડિયોમાં ઈટાલિયા મંદિરોમાં ન જવા લોકોને અપીલ કરતા દેખાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં તે પ્રધાનમંત્રીને લઈને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા દેખાય છે.
કોણ છે ગોપાલ ઈટાલિયા?
ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચૂકેલા ગોપાલ ઈટાલિયા પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરાઓમાંથી એક રહ્યા હતા. વર્ષ 2015માં હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર આરક્ષણ માટે આંદોલન ઊભું કર્યું અને આ બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો. 2020માં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા અને જલ્દી જ આપના ગુજરાત ઉપાધ્યક્ષ નિયુક્ત કરાયા. આમ આદમી પાર્ટીમાં જોડાયાના અમુક મહિનાઓ બાદ જ કેજરીવાલે ગોપાલ ઈટાલિયાને પ્રદેશ સંયોજક બનાવીને ગુજરાતની કમાન સોંપી દીધી.
ADVERTISEMENT