સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે 8મી ડિસેમ્બરે EVMમાં કેદ ઉમેદવારોના ભાવીની જાણ થશે. ત્યારે હાલમાં તો તમામ EVMને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે મશીન સાથે કોઈ ચેડા ન થાય તે માટે રાજકીય પાર્ટીના કાર્યકરો પણ સ્ટ્રોંગરૂમમાં મૂકેલા EVM પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખી રહ્યા છે. ત્યારે સુરતમાં સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ થઈ જતા મોટો હોબાળો મચી ગયો હતો.
ADVERTISEMENT
સ્ટ્રોંગ રૂમ પર અજાણી વ્યક્તિ ડિશ ટીવી લગાવી ગઈ!
સુરતની ઓલપાડ વિધાનસભામાં મતદાન બાદ EVMને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ બહાર સિક્યુરિટી રાખવામાં આવી છે, જોકે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ થઈ જતા AAPના ઉમેદવાર ધાર્મિક માલવિયા ત્યાં પહોંચ્યા હતા અને તમામ સીસીટીવી કેમેરા બંધ થઈ જતા તેમણે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી, જેથી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તો બીજી તરફ સ્ટ્રોંગ રૂમની ઉપર કોઈ અજાણી વ્યક્તિ ખોટું આઈકાર્ડ લગાવીને ડિશ ટીવી લગાવવા માટે આવી હોવાની પણ વિગતો મળી રહી છે, ત્યારે કોઈ વ્યક્તિ આવા સમયે ત્યાં ડિશ લગાવવા માટે કેમ આવ્યો તેને લઈને પણ માથાકૂટ શરૂ થઈ હતી.
બે દિવસ બાદ કાર્યકરોને સ્ટ્રોંગ રૂમ નજીક જવા દેવાયા
નોંધનીય છે કે, EVM સાથે સ્ટ્રોંગ રૂમમાં કોઈ છેડછાડ ન થાય તે માટે બે દિવસથી રૂમ બહાર બેસવા માટે AAPના ઉમેદવાર દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી. જે બાદ તેમને કલેક્ટરે મંજૂરી આપતા પહેલીવાર કાર્યકરોને સ્ટ્રોંગ રૂમની નજીક જવા દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં જોતા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેથી ચૂંટણી અધિકારી તથા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા.
ADVERTISEMENT