AAPના MLAનો ગ્રાઉન્ટ રિપોર્ટ, હોસ્પિટલમાં વર્ષ 1986ના સાધનો, આરોગ્યની સેવામાં બેદરકારીનો પર્દાફાશ!

નરેન્દ્ર પેપરવાલા/ દેડિયાપાડાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 5 બેઠકો પોતાને નામ કરી દીધી છે. તેમાંથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકોને આરોગ્યનો પ્રશ્ન ન…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/ દેડિયાપાડાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 5 બેઠકો પોતાને નામ કરી દીધી છે. તેમાંથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકોને આરોગ્યનો પ્રશ્ન ન ઉભો થાય એના માટે તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે નર્મદા જિલ્લાના તાલુકા મથક દેડિયાપાડામાં આવેલી સિવિલ હોસ્પિટલની ઇમારત તૈયાર હોવા છતાં લોકાર્પણ થયું નથી. આ કાર્ય કરવામાં થઇ રહેલાં વિલંબથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિના પછી જાતે જ લોકાર્પણ અથવા તાળાબંધી કરવાની ચીમકી આપી દીધી છે. આની સાથે તેમણે હોસ્પિટલમાં સ્ટાફ સહિત અન્ય જરૂરિયાતો અંગે પણ પોતાનું નિવેદન આપ્યું હતું.

વર્ષ 1986નું એક્સ રે મશીન હોવાથી ચકચાર…
દેડિયાપાડામાં 2017માં નવી સિવિલ હોસ્પિટલનું ભૂમિપુજન કરાયા બાદ બે વર્ષમાં ઇમારત તૈયાર કરી દેવામાં આવી હતી. બે વર્ષથી સિવિલ હોસ્પિટલ લોકાર્પણની રાહ જોઇ રહી છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઇને સુવિધાઓ ચકાસી હતી. જેમાં વર્ષ 1986નું એકસ રે મશીન પણ ધ્યાને આવ્યું હતું. આ પ્રમાણેની વ્યવસ્થાને જોતા અત્યારે ચકચાર મચી જવા પામી છે.

આરોગ્યની સેવામાં ગાબડું..
દેડિયાપાડા તાલુકો 2 લાખથી વધારે લોકોની વસતિ ધરાવતો તાલુકો હોવા છતાં આરોગ્ય સેવાના નામે અહીં મીંડુ જોવા મળી રહયું છે. અહીંના વિસ્તારના લોકો ઓછા શિક્ષિત હોવાને કારણે બહાર પોતાનો ઈલાજ કરાવતા પણ ડર અનુભવતા હોય છે. તેથી તેમને અહીં જ પૂરતી સુવિધાઓ મળે તે જરૂરી છે.આ ઉપરાંત હોસ્પિટલમાં પોર્ટેબલ ટીએલસી મશીન, ઓક્સિજન કોન્સ્ટેટર, મલ્ટી પેરામીટર સેલ કાઉન્ટરો સહિતની મશીનરીનો અભાવ જોવા મળ્યો હતો.

જન ભાગીદારીથી સુવિધા વધારવા ટકોર..
આ વિસ્તારમાં સિકલસેલના દર્દીઓનું પ્રમાણ વધુ હોવાને કારણે તબીબી સ્ટાફ અને સુવિધાઓ હોવી ખુબ જરૂરી છે. તેવામાં આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિનામાં નવી સિવિલનું લોકાર્પણ કરવામાં નહિ આવે તો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો હોસ્પિટલમાં સરકાર સુવિધાઓ નહિ વધારે તો તેઓ જન ભાગીદારીથી સુવિધા વધારશે.

    follow whatsapp