અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે, તો આમ આદમી પાર્ટીએ પણ 5 સીટો સાથે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. જ્યારે ગઈકાલે AAPના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી. જે અંગે બાદમાં તેમણે ખોટી અફવા હોવાનું બતાવ્યું હતું. જોકે બાદમાં ફરી ભૂપત ભાયાણીએ પોતાનો એક વીડિયો બનાવ્યો છે અને ભાજપમાં જોડાવવાની વાત પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ભાજપમાં જોડાવાની વાતને ગણાવી અફવા
આ વીડિયોમાં ભૂપત ભાયાણી કહી રહ્યા છે કે, મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં મારા વિશે ખોટા મેસેજ ફરતા થયા છે. હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. જનતાએ મારી પર વિશ્વાસ મૂકી ભવ્ય જીત અપાવી છે. મેં જનતા કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી.
ભાજપમાંથી જ આપમાં જોડાયા હતા ભૂપત ભાયાણી
ભૂપત ભાયાણી પહેલા ભાજપમાં જ હતા અને બાદમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, અને ચૂંટણી જીતીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જોકે ગઈકાલે ગાંધીનગરમાં સી.આર પાટીલ સાથે તેમની મુલાકાત થઈ હોવાની ચર્ચાઓ ઉઠી હતી, જે બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વાતો ચાલી હતી. જોકે તેમણે આ તમામ અટકળો અફવા હોવાનું કહીને તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
AAPના અન્ય બે ધારાસભ્યોએ પણ કરી સ્પષ્ટતા
બીજી તરફ ગારીયાધરના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણીએ પણ પોતે આમ આદમી પાર્ટીમાં જ છે અને રહેશે તેવી સ્પષ્ટતા કરી દીધી હતી. ત્યારે ઝઘડિયાથી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોતે આમ આદમી પાર્ટીમાં જ રહેવાનું કહ્યું હતું.
ADVERTISEMENT