અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપે પણ જોરશોરથી સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન જામનગર ઉત્તરથી ઈન્ડિયન ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ મળી છે. જેથી રવીન્દ્ર જાડેજા પણ ચૂંટણી પ્રચારમાં મદદ કરતો જોવા મળી રહ્યો છે. જોકે આમ આદમી પાર્ટીના નેતાએ જાડેજા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે ખેલાડીઓ પણ રાજનીતિમાં પગપેસારો કરવા લાગ્યા. જાણો સમગ્ર વિવાદ…
ADVERTISEMENT
રિવાબાએ ચૂંટણી પ્રચારનું પોસ્ટર ટ્વીટ કર્યું…
રિવાબાએ ટ્વિટ કરીને ભાજપમાં રવીન્દ્ર જાડેજાના રોડ શોનું પોસ્ટર શેર કર્યું હતું. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમા રવીન્દ્ર જાડેજા ઈન્ડિયન ટીમનો ડ્રેસ પહેરીને પોસ્ટરમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રિવાબાએ કેપ્શનમાં લખ્યું હતું કે ભારતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના રોડ શોમાં તમે અવશ્ય હાજરી આપજો.
AAPએ રવીન્દ્ર જાડેજા પર કર્યો વાર….
રવીન્દ્ર જાડેજા ઈન્ડિયન ટીમનો ડ્રેસ પહેરીને ઉભો હોય એવો ફોટો ભાજપના પોસ્ટરમાં જોવા મળતા આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા નરેશ બાલ્યાને રિટ્વીટ કરીને લખ્યું છે કે અગાઉ ખેલાડીઓ રાજનીતિથી દૂર રહેતા હતા. હવે જાહેરમાં રાજનીતિ કરી રહ્યા છે. ભાજપે કોઈપણ સંસ્થાને નષ્ટ કરવાનું બાકી રાખ્યું નથી.
રવીન્દ્ર જાડેજા પણ ભાજપના કાર્યકર કહેવાય- રિવાબા
રિવાબા જાડેજાને જ્યારે ટિકિટ મળી ત્યારે તેમણે કહ્યું હતું કે મારા પતિ રવીન્દ્ર જાડેજા પણ ભાજપના કાર્યકર્તા જ કહેવાય. હું ઉમેદવાર છું એટલે મારો પરિવાર પણ ચૂંટણીમાં મારી મદદ કરશે. વળી રવીન્દ્ર જાડેજાએ પણ પત્ની રિવાબાને ઉમેદવારી ફોર્મથી લઈ ચૂંટણી પ્રચારમાં સતત મદદ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિવાબાએ કહ્યું હતુ કે મારી ઉમેદવારીથી મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પણ પગભર થઈ સમાજમાં આગળ આવી શકે એનો ખાસ સંદેશો પણ જશે.
ADVERTISEMENT