મહીસાગર: ગુજરાતમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત વિવાદોમાં સપડાઈ રહી છે. તાજેતરમાં PM મોદી વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચારતા ગોપાલ ઈટાલિયાનો વીડિયો સામે આવતા ભારે ઉહાપોહ મચ્યો હતો. ત્યારે હવે મહીસાગર જિલ્લામાં વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધી હતી. આ સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવાયાનો આક્ષેપ AAPના જ કાર્યકરો કરી રહ્યા છે.
ADVERTISEMENT
દાહોદની સભામાં 600 ગાડીઓ મોકલવામાં આવી હતી
દાહોદ ખાતે કેજરીવાલની બે દિવસ પહેલા સભા યોજાઈ હતી. જેમાં સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવતા કાર્યકરોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બાજુ ગેરંટી કાર્ડ વિતરણ કરી લોકોને રિજવી રહી છે, બીજી બીજુ પાર્ટીના જ કાર્યકરોની જ ગેરંટી કોઈ લેવાં તૈયાર નથી. ગાડી માલિકો ગાડીનું ભાડું માંગી રહ્યા છે ત્યારે પાર્ટીના હોદેદારો ફોન સ્વીચ ઓફ કરી જવાબ આપવા પણ તૈયાર નથી. સંતરામપુરથી 600થી ગાડી અરવિંદ કેજરીવાલની સભામાં ગઈ હતી જેનું પાર્ટી દ્વારા ભાડું આપવાની વાત હતી. ભાડું ન મળતાં કાર્યકરો સહીત ગાડી માલિકો નારાજ થયા છે.
ગાડીનું અંદાજે રૂ.15 લાખનું ભાડું બાકી
આ ગાડીઓ માટે અંદાજિત પંદર લાખ ઉપરની રકમ ચૂકવવાની થતી હતી. એવામાં છેલ્લાં સમયે પૈસા ન મળતાં વાહન ચાલકો દુવિધામાં મૂકાયા છે. પરિણામે સંતરામપુર વિધાનસભાના વાહન ચાલકો, AAPના કાર્યકરો, તેમજ પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના જ કાર્યકરો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો તેઓ વાહનનું ભાડું જ નથી ચૂકવતા તો પછી ગેરંટી કેવી રીતે પૂરી કરશે.
(વિથ ઈનપુટ: વિરેન જોશી)
ADVERTISEMENT