અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીની હાર થઈ છે. ઈસુદાન ગઢવી ભાજપના ઉમેદવાર સામે 18838 વોટથી હારી ગયા. ગઈકાલે જ ઈસુદાને પોતાની હાર સ્વીકારી હતી અને પ્રજાના ચુકાદાને આવકાર્યો હતો. ત્યારે પરિણામના બીજા દિવસથી જ ફરી ઈસુદાન ગઢવી 2027ની તૈયારીમાં લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ઈસુદાન ગઢવીએ એક ટ્વીટ કર્યું છે અને તેમણે ફરી લડવાની વાત કરી છે.
ADVERTISEMENT
‘ગુજરાતની જનતા માટે લડાઈ ચાલું રાખીશ’
ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું છે કે, જય ગરવી ગુજરાત!ઈસુદાન ગઢવી જનતા માટે પહેલા પણ લડતો હતો અને કાલે પણ લડતો રહેશે ! જનતા જીત આપે કે હાર !હું પહેલા પણ અપેક્ષા નહોતો રાખતો અને હજુ પણ નહીં રાખીશ ! હા તમારા માટે ઈશ્વરને સાક્ષી રાખી લડતો રહીશ !ઘણાં મેસેજ આવ્યા કે તમે નહીં ગુજરાતના ખેડૂતો હાર્યા !પણ ચિંતા ના કરતા લડીશું.
મત આપનારા લોકોનો માન્યો આભાર
આ ટ્વીટની સાથે તેમણે પોતાની જ ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ચૂંટણી હારવા છતાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાંથી મળેલા વોટ બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ખંભાળિયાના 60 હજાર મતદારોનો પણ આભાર માન્યો હતો અને અંતમાં લખ્યું હતું કે, ટાઈગર અભી જિંદા હૈ!.
નોંધનીય છે કે, ગોપાલ ઈટાલિયા પણ કતારગામ બેઠકથી હારી ગયા હતા. પોતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તે સાથે જ તેમની જીત પર પાર્ટીને ઘણી આશાઓ હતી. જોકે તેવું બન્યું નથી. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, જેમણે પણ આમ આદમી પાર્ટી પર થોડો પણ ભરોસો મુક્યો છે, દિલમાં થોડી પણ જગ્યા આપી છે તે તમામ મતદારોનો હું આભાર માનું છું. માત્ર અમે નવી પાર્ટી છીએ, નાની પાર્ટી છીએ, પૈસા નથી તેથી કદાચ અમે જે લક્ષ્ય રાખ્યું હતું તે લક્ષ્ય પર નથી પહોંચી શક્યા પરંતુ આવતા પાંચ વર્ષમાં સંગઠનને વધુ મજબુત કરીશું. ગુજરાતની જનતાએ આ વખતે જેટલા મત આપ્યા છે તેના કરતાં ચાર ગણા મત 2027માં આપશે. હું મારી જીવનની પહેલી ચૂંટણી લડ્યો, મજા એ વાતની છે કે જે પોતાના જીવનની ચાર ચાર ચૂંટણીઓ જીતીને બેઠા છે તેમને પણ એક સમયે એવું લાગ્યું હોય કે શું થશે તો તે અમારી જીત છે.
ADVERTISEMENT