અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ લગભગ બાકી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી હવે તમામ બેઠકો પરથી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે AAPમાં અત્યારે નર્મદા બેઠક પરથી પ્રફુલ વસાવાને ટિકિટ મળી એનો હોબાળો એક બાજુ ચાલુ છે તો બીજી બાજુ સ્થાનિક કાર્યકર્તાઓએ કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાની નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે. 12 અને 13 સપ્ટેમ્બરના દિવસે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલ હવે કઈ નવી ગેરન્ટી લાવશે?
અત્યારે સુધી આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે મફતમાં વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓ તથા મહિલાઓ, આદિવાસીઓને વિવિધ ગેરન્ટીઓ આપી હતી. નોંધનીય છે કે તેમની આ મુલાકાત દરમિયાન ખેડૂતો વિશે પણ અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી હતી. અગાઉ પોરબંદરમાં માછીમારોને રિઝવવા માટે પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરવાની ખાતરી આપી હતી. તેવામાં અરવિંદ કેજરીવાલનો આ ગુજરાત પ્રવાસ કઈ નવી ગેરન્ટી સાથે આવે તેવી સંભાવના જણાઈ રહી છે. નોંધનીય છે કે ચૂંટણી પ્રચારનો પ્લાન કેજરીવાલનો અત્યારસુધી સફળ રહ્યો છે. તેવામાં પ્રજાને કઈ નવી ગેરન્ટી આપશે કેજરીવાલ એ જોવાજેવું રહેશે.
AAPમાં પ્રફુલ વસાવાને ટિકિટ અપાતા પાર્ટીમાં ભડકો
પ્રફુલ વસાવાને ટિકિટ મળતા આમ આદમી પાર્ટીની અંદર ભડકો થયો છે. પાર્ટીના નેતાઓના મત મુજબ પ્રફુલ વસાવાનું નર્મદા જિલ્લામાં કોઈ વજુદ નથી એવો ઉચ્ચાર કરાઈ રહ્યો છે. વળી AAP પર કટાક્ષ કરતા સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે આ તો બહારથી રિમોટ કંટ્રોલની જેમ ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે. જેનો નેતાઓએ વિરોધ કર્યો છે.
ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓનો વિરોધ કરાયો
સ્થાનિકો નેતાઓએ વાંધો ઉઠાવતા કહ્યું કે જ્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને નહીં બદલે ત્યાં સુધી તેઓ કામ નહીં કરે. તેમનો આગ્રહ છે કે અરવિંદ કેજરીવાલ આ મુદ્દા પર વિચાર કરે અને સ્થાનિક નેતાને જ ઉમેદવારી આપે એવી અપીલ કરી છે.
ADVERTISEMENT