Surat News: સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના બંગલામાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં તેમના 17 વર્ષીય પુત્રનું અવસાન થયું છે. તો પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે. કોર્પોરેટરના પુત્રનું અવસાન થતાં પરિવારમાં માતમ છવાયો છે.
ADVERTISEMENT
પહેલા માળે લાગી હતી ભયાનક આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુભાઈ કાછડીયાનો બંગલો આવેલો છે. જીતુભાઈ કાછડીયા આનંદધારા સોસાયટીના બંગલામાં સંયુક્ત પરિવારમાં રહે છે. ગઈકાલે રાત્રે પરિવારના તમામ સભ્યો બીજા માળે સૂતા હતા. આ દરમિયાન રાત્રીના 2 વાગ્યાની આસપાસ જીતુભાઈના બંગલાના પહેલા માળે અચાનક આગ લાગી હતી. જોત-જોતામાં જ આગે ભીષણરૂપ ધારણ કરી લીધું હતું.
બાજુના મકાનમાં કૂદીને બચાવ્યો જીવ
આગના કારણે ઘરમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જ્યારે 6 સભ્યો સહી સલામત બાજુના ઘરમાં કૂદીને બહાર નીકળી ગયા હતા પરંતુ જીતુભાઈ કાછડીયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ફસાઈ ગયો હતો. આ દરમિયાન ધુમાડાના કારણે પ્રિન્સ બહાર નીકળી શક્યો નહોતો અને રૂમમાં જ ફસાઈ ગયો હતો.
ફાયરની ટીમ દોડી આવી
આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તો પ્રિન્સને બચાવવાની કામગીરી પણ હાથ ધરી હતી.
પ્રિન્સનું દાઝી જવાથી મોત
આ દુર્ઘટનામાં પ્રિન્સ ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT