અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી ટાણે જ દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું છે અને દારૂની હેરાફેરી અટકાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં હાર્દિક પટેલ નામના એક શખ્સની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ યુવક વટવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કન્વીનર હોવાની વિગતો સામે આવી રહી છે. હાલમાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા યુવક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
વટવામાં ચેકીંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયો હાર્દિક પટેલ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચેકીંગ દરમિયાન વટવામાં એક કારમાંથી દારૂ સાથે હાર્દિક પટેલ નામના યુવક ઝડપાયો હતો. 6 બોટલ સાથે પકડાયેલા આ યુવક બીજું કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીનો કન્વીનર હાર્દિક પટેલ હતો. જોકે મતદાનના ગણતરીના કલાકો પહેલા જ નેતા દારૂ સાથે પકડાતા રાજકારણ ગરમાયું હતું. હાલમાં પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને થેની ધરપકડ કરી છે અને દારૂ ક્યાંથી આવ્યો એને કોને આપવાનો હતો? તે તમામ પાસાઓને લઈને તપાસ કરી રહી છે.
ગઈકાલે ગાંધીનગરમાં પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો
નોંધનીય છે કે, બીજી તરફ ગઈકાલે ગાંધીનગરમાંથી પણ એક બંગલામાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે જ્યારે મળેલી માહિતીને આધારે આ બંગલો પર દરોડા કર્યા ત્યારે અંદરનો નજારો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. પ્રારંભીક માહિતી અનુસાર 480 જેટલી પેટીઓમાંથી વિદેશી દારુના ક્વાટર મળી આવ્યા હતા. પોલીસ બેડામાં ચર્ચા છે કે ક્વાટર દારુનો આટલો મોટો જથ્થો જોતા માલ મતદારો માટે અહીં રાખવામાં આવ્યો હોઈ શકે. જોકે પોલીસ તેની નક્કર ગણતરી કરી આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે. એલસીબીના દરોડા પછી હવે અડાલજના પીઆઈ સામે કડક પગલા લેવાય તો નવાઈ નહીં.
મતોના તોડજોડ ના થાય તે માટે તંત્રની બારીક નજર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પ્રથમ તબક્કાના મતદાન પછી 89 બેઠકો પર ઉમેદવારોના ભાવી હવે ઈવીએમ મશીનમાં કેદ છે. આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને તેમાં 93 બેઠકોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થવાના છે. ઉપરાંત આગામી 8 ડિસેમ્બરે જ્યારે પરિણામોની જાહેરાત થશે ત્યારે કયા ઉમેદવારને જન સમર્થન મળ્યું કોને મળ્યો જાકારો તે નક્કી થઈ જશે. તે દરમિયાનમાં હવે જ્યારે બીજા તબક્કાનું મતદાન થવાને કલાકો બાકી છે તે પહેલા રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરીને મતદારોને આકર્ષી રહી છે. જોકે રાજકીય પાર્ટીઓ કોઈ ગેરકાયદે રીતે મતોના તોડજોડ ના કરી જાય તે માટે તંત્ર સતત બારીક નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT