Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી થઈ ગયું છે. કયા રાજ્યમાં કેટલી બેઠકો પર કયો પક્ષ ચૂંટણી લડશે તે અંગે બંને પક્ષો વચ્ચે સહમતિ બની છે. ઈન્ડિયા બ્લોક હેઠળ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવા માટે હવે થોડીવારમાં જ (સવારે 11.30 વાગ્યે) આપ અને કોંગ્રેસના નેતાઓ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.
ADVERTISEMENT
આ રાજ્યમાં થઈ શકે છે ગઠબંધન
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક સામેલ થશે. આ દરમિયાન દિલ્હી, ગુજરાત, ગોવા, ચંડીગઢ અને હરિયાણામાં ગઠબંધનનું એલાન થઈ શકે છે.
દિલ્હીમાં કઈ સીટ કોની પાસે જશે
ગઠબંધન હેઠળ જે વાત નીકળીને સામે આવી રહી છે તે મુજબ આમ આદમી પાર્ટી દિલ્હીની ચારેય બેઠકો, નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર-પૂર્વ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી પોતાના ઉમેદવાર ઉતારશે. અગાઉ કોંગ્રેસને પૂર્વ દિલ્હીની બેઠક આપવામાં આવી હતી પરંતુ હવે કોંગ્રેસ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે, જે રાજધાનીની એકમાત્ર SC આરક્ષણ સીટ છે.
આ ચાર રાજ્યો માટે પણ કરાશે જાહેરાત
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન AAP-કોંગ્રેસ અન્ય ચાર રાજ્યો માટે પણ ગઠબંધનની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ હરિયાણામાં આમ આદમી પાર્ટીને એક સીટ (સંભવતઃ કુરુક્ષેત્ર) આપી શકે છે. જ્યારે ગુજરાતમાં AAPને બે સીટો (સંભવતઃ ભરૂચ અને ભાવનગર) આપવામાં આવશે.
આ સિવાય આમ આદમી પાર્ટી ગોવામાંથી પોતાના ઉમેદવારો પરત ખેંચશે. પંજાબમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન નહીં થાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા આમ આદમી પાર્ટી ચંદીગઢમાં પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી રહી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને સમર્થન કરશે એટલે કે આમ આદમી પાર્ટીએ ચંદીગઢ સીટ કોંગ્રેસને આપવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT