નર્મદાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવાની શરૂ કરી દીધી છે. તેવામાં હવે નાંદોદ વિધાનસભામાં ઉમેદવાર તરીકે પ્રફુલ વસાવાને ટિકિટ મળતા આમ આદમી પાર્ટીની અંદર ભડકો થયો છે. પાર્ટીના નેતાઓના મત મુજબ પ્રફુલ વસાવાનું નર્મદા જિલ્લામાં કોઈ વજુદ નથી એવો ઉચ્ચાર કરાઈ રહ્યો છે. વળી AAP પર કટાક્ષ કરતા સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે આ તો બહારથી રિમોટ કંટ્રોલની જેમ ઉમેદવારોને મૂકવામાં આવ્યા છે. જેનો નેતાઓએ વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓનો વિરોધ કરાયો
સ્થાનિકો નેતાઓએ વાંધો ઉઠાવતા કહ્યું કે જ્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને નહીં બદલે ત્યાં સુધી તેઓ કામ નહીં કરે. તેમનો આગ્રહ છે કે અરવિંદ કેજરીવાલ આ મુદ્દા પર વિચાર કરે અને સ્થાનિક નેતાને જ ઉમેદવારી આપે એવી અપીલ કરી છે.
પ્રફુલ વસાવાનું AAPમાં ઉમેદવાર તરીકે પસંદ કરાતા રાજકારણ ગરમાયું
ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ રસાકસી ભર્યો શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ બહાર પાડેલી ઉમેદવારોની યાદીમાં પ્રફુલ વસાવાને ટિકિટ આપતા હોબાળો મચી ગયો છે. BJPના સ્ટેટ મીડિયા કો-હેડ ઝૂબિન અશારાએ આડકતરી રીતે પ્રફુલ વસાવાને મેઘા પાટકરના જૂના સાથી ગણાવ્યા હતા. તેવામાં ગુજરાત વિરોધી માનસિકતાનો મુદ્દો પણ ઉઠ્યો હતો.
કેવડિયા બચાવો આંદોલનમાં પ્રફુલ વસાવાની ભૂમિકા
આમ આદમી પાર્ટીએ નાંદોદ વિધાનસભા બેઠક પરથી પ્રફુલ વસાવાને ટિકિટ આપી છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. તેઓ કેવડિયા બચાવો આંદોલન સમિતિના પ્રણેતા રહ્યા છે. કેવડિયામાં આદિવાસીઓની જમીન બચાવવાના આંદોલનમાં તેમણે ખૂબ મોટો ફાળો આપ્યો છે.
With Input- નરેન્દ્ર પેપરવાલા
ADVERTISEMENT