કચ્છ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. પહેલા સુરતમાં AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ ભર્યા બાદથી અચાનક ગાયબ થઈ ગયા અને બીજા જ દિવસે ફોર્મ પાછું ખેંચી લીધું. ત્યારે હવે કચ્છમાં પણ AAPના એક ઉમેદવાર નાટ્યાત્મક રીતે ગાયબ થઈ ગયા હોવાનો કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો હતો. જોકે આ ગાયબ ઉમેદવારે બાદમાં વીડિયો બનાવીને પોતે AAP છોડી ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
વીડિયો બનાવી ભાજપને ટેકો જાહેર કર્યો
કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વસંત ખેલાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેમણે એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, તેઓ AAP છોડી રહ્યા છે અને દેશ હિતમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ બાદ તેમનો ભાજપના હોદ્દેદારો સાથે ખેસ પહેરતો ફોટો પણ સામે આવ્યો હતો.
AAP દ્વારા ઉમેદવારને ધમકાવવાનો આરોપ લગાવાયો
બીજી તરફ કચ્છમાં અબડાસાના પ્રભારી અને કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો છે કે, સવારથી જ વસંત ખેલાણી ગુમ હતા. તેમના ઘરે પણ તેઓ નહોતા. તથા ફોન પણ બંધ આવતો હતો. તેમણે આ અંગે ભાજપના લોકો પર અપહરણ કરાયાનો આક્ષેપ કર્યો હતો, અને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ઉમેદવાર પર દબાણ કરાયું હોવાનું કહ્યું હતું. બીજી તરફ કચ્છ જિલ્લા પોલીસ વડાએ અપહરણની વાતને નકારી હતી અને તેઓ સ્વયંભૂ ગયા હોવાનું કહ્યું હતું.
સુરતમાં પણ કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું હતું
નોંધનીય છે કે, સુરતમાં પણ સુરત પૂર્વથી AAPના ઉમેદવાર રહેલા કંચન જરીવાલા ફોર્મ ભર્યા બાદથી આ રીતે ગુમ થઈ ગયા હતા. જે બાદ બીજા દિવસે તેઓ અચાનક નોડલ ઓફિસર સમક્ષ પ્રગટ થઈને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આ વખતે પણ ભાજપ દ્વારા તેમને ફોર્મ પરત લેવા દબાણ કરાયું હોવાના AAP દ્વારા આક્ષેપ લાગ્યા હતા. જોકે બાદમાં તેમણે પોતે પણ વીડિયો બનાવી અંગત કારણોસર પાર્ટી છોડી હોવાનું કહ્યું હતું.
ADVERTISEMENT