અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો એક વિવાદિત વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. AAPના ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવાર જગમાલ વાળાનો ટોલ બુથના કર્મચારી સાથે દાદાગીરી કરવાનો અને માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે ટોલ કર્મચારી દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ટોલ કર્મચારીને લાફો મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ
ઘટનાની વિગતો મુજબ, 15 નવેમ્બરની રાત્રે જગમાલ વાળાનો કાફલો વેરાવળ પાસે સ્થિત ડારી ટોલ બુથ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે કોઈ બાબતને લઈને તેઓ ગુસ્સે થઈ જાય છે અને ગાડીમાંથી ઉતરીને ટોલ બુથ પર ઊભેલા કર્મચારીને લાફો ઝીંકી દે છે. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. ટોલ કર્મીએ AAPના નેતા પર ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અગાઉ પણ મારામારીના આક્ષેપમાં જેલ જઈ ચૂક્યા છે જગમાલ વાળા
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે જગમાલ વાળા આ પ્રકારે વિવાદમાં સપડાયા હોય. આ પહેલા પણ તેઓ ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યા છે. જગમલ વાળા પર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને તેના કેબિનમાં ઘુસીને ધમકાવવાના અને મારપીટ કરવાના આરોપ લાગ્યા હતા. આ મામલે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. જગમલ વાળા AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે, અને પોતે ઉમેદવાર પણ છે. એવામાં આ પ્રકારની ઘટનાથી સૌરાષ્ટ્રમાં AAPની શાખને પણ નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT