ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગઈકાલે જ પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જેમાં વધુ 20 નવા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢમાંથી AAPના ઉમેદવાર તરીકે ચેતન ગજેરાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો અને ફટાકડા ફોડીને કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. જોકે ચૂંટણી પહેલા જ અડધું મેદાન જીતી લીધું હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
35 વર્ષના ચેતન ગજેરા કન્સ્ટ્રક્શન અને ગારમેન્ટ બિઝનેસ સાથે જોડાયેલા છે
ગુજરાતમાં ચુંટણીનું બ્યુગલ હવે વાગવાની તૈયારીમાં છે. ભાજપ અને કોંગ્રેસમાં દાવેદારો ઉમેદવાર બનવા માટે થનગની રહ્યા છે, ત્યારે આપ પાર્ટી એક પછી એક લિસ્ટ બહાર પાડી ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. જૂનાગઢમાં ચેતન ગજેરાના નામની જાહેરાત થતાં જ કાર્યકરો જૂનાગઢના શહીદ પાર્ક ખાતે એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ચેતન ગજેરાએ બીજેપીના યુવા પ્રમુખનો હોદ્દો છોડી આપ પાર્ટી જોઈન્ટ કરી હતી. ચેતન ગજેરા 35 વર્ષના યુવા ઉમેદવાર છે જેને જૂનાગઢમાં આપ પાર્ટીને સક્રિય બનાવવાનું કામ કર્યું છે જેનું પરિણામ છે કે તેને આપ પાર્ટી એ ટીકીટ આપી છે. તેમને રાજકારણમાં 14 વર્ષનો અનુભવ છે.
શું હતું 2017ની ચૂંટણીનું સમીકરણ?
જૂનાગઢ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. જૂનાગઢમાં આહિર, ક્ષત્રિય, કોળી અને પાટીદાર એમ ચારેય જ્ઞાતિનું એકસમાન પ્રભુત્વ છે. ત્યારે આ વખતે AAP પણ ચૂંટણીના મેદાનમાં જંપ લાવી રહી છે.
AAPએ 20 ઉમેદવારોની જાહેરાત કરી હતી
નોંધનીય છે કે, ગઈકાલે AAPએ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં વડગામથી દલપત ભાટીયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગ પટેલ, ઘાટલોડિયાથી વિજય પટેલ, પ્રાંતિજથી અલ્પેશ પટેલ, ભિલોડાથી રુપસિંહ ભગોડા, વિસાવદરથી ભુપત ભાયાણી સહિતના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જંપ લાવી રહી છે. જેને લઈને AAP દ્વારા પૂરજોશમાં પ્રચારની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ બાદ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પણ બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા.
ADVERTISEMENT