અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ જે ઓટો ચાલકના ઘરે જમવા ગયા હતા, તે આજે ભાજપની સભામાં જોવા મળતા ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. તેવામાં AAPના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયો શેર કરીને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઓટો ચાલક ભાજપની સભામાં જોવા મળતા એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અમારા પર જે આરોપો લગાવાઈ રહ્યા હતા એ ખોટા હતા. તે દિવસે આને પ્લાનિંગ આધારિત ડિનર તરીકે અટકળો લગાવાઈ રહી હતી એ ખોટી હતી એ સાબિત થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન ભાવુક થઈને ઓટો ચાલકના આમંત્રણને સ્વીકાર્યું હતું અને પછી તેમના ઘરે ભોજન લેવાનો નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT
મનોજ સોરઠિયાએ ભાજપ પર સાધ્યું નિશાન
આ મુદ્દે મનોજ સોરઠિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમણે કહ્યું કે ભાજપ અત્યારે છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આની સાથે તેમણે કેજરીવાલે આપેલી ગેરન્ટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મનોજ સોરઠિયાના મત મુજબ જનતાને પણ આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ આવ્યો છે. વળી રિક્ષા ચાલક સહિત અન્ય નાના માણસોને તો ભાજપ ક્યારેય બોલાવતી પણ ન હોવાની ચર્ચા કરી હતી. વળી 27 વર્ષમાં ભાજપે કોઈપણ કામ ન કર્યા હોવાનો આક્ષેપ પણ લગાવી દીધો હતો.
થલતેજમાં વડાપ્રધાન મોદીની સભા હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે થલતેજમાં તેમણે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ તેમણે એક જનસભાને પણ સંબોધી હતી. ત્યારે વડાપ્રધાનની આ જનસભામાં રીક્ષાચાલક વિક્રમ દંતાણી પણ ભાજપનો ખેસ પહેરીને કાર્યકર્તાઓ સાથે બસમાં જતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.
નોંધનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં આવેલા વિક્રમ દંતાણી નામના રીક્ષા ચાલકે કેજરીવાલને તેના ઘરે જમવા જવાનું આમંત્રણ આપ્યું હતું. જે બાદ કેજરીવાલ તેની જ રીક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT