અમદાવાદ: ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને AAP વચ્ચે વીડિયો વોર શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓના જૂના વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ક્રમમાં હવે ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વધુ એક વીડિયો વાઈરલ કરવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું તથા માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન સામેલ હોવાનું જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં શું બોલે છે કેજરીવાલ?
ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપે AAPની સમસ્યા વધારતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. દિલ્હીથી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. 2 મિનિટ અને 19 સેકન્ડના આ વીડિયોમાં કેજરીવાલ બાટલા હાઉસ એન્કાઉન્ટર ફેક હોવાનું કહી રહ્યા છે આ સાથે જ તેઓ માલેગાવ બ્લાસ્ટમાં હિન્દુ સંગઠન પણ સામેલ હોવાનું કહી રહ્યા છે, જેને લઈને હવે ભાજપ તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
AAPના નેતાઓના વીડિયો વાઈરલ
નોંધનીય છે કે ચૂંટણી પહેલા ભાજપ અને AAP બંને પાર્ટીઓ સોફ્ટ હિન્દુત્વ કાર્ડથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ AAPના દિલ્હીના મંત્રીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેઓ શિવ, વિષ્ણુ તથા બ્રહ્માને ભગવાન ન માનવાના શપથ લેનારા લોકો સાથે જોવા મળ્યા હતા, જે બાદ ભારે ઉહાપોહ મચ્યો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ કેજરીવાલનો આ મુદ્દે વિરોધ થયો હતો. બાદમાં વડોદરામાં કેજરીવાલે પોતે કહ્યું હતું કે, હું એક ધાર્મિક વ્યક્તિ છું અને હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. જે બાદ ગઈકાલે ગોપાલ ઈટાલિયાનો જૂનો વીડિયો વાઈરલ કરાયો હતો જ્યારે આજે કેજરીવાલનો જૂનો વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT