દાહોદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે 8મી ડિસેમ્બરે EVMમાં કેદ ઉમેદવારોના ભાવીની જાણ થશે. ત્યારે હાલમાં તો તમામ EVMને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. એવામાં દાહોદમાં જે એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં EVM મૂકાયા હતા તે કોલેજની બહાર લોકોની અવરજવર વધતા વાયુવેગે આ માહિતી પ્રસરી હતી. જેથી AAP અને કોંગ્રેસના કાર્યકરોએ ત્યાં પહોંચીને હંગામો મચાવ્યો હતો. જે બાદ પોલીસે ઘટનાસ્થલે પહોંચીને મામલો શાંત કર્યો હતો.
ADVERTISEMENT
કાર્યકરો અને ઉમેદવારો રૂમ બહાર પહેરો કરશે
દાહોદ પોલીસે ઘટના અંગે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. જોકે ગેટ પર વિદ્યાર્થીઓની અવરજવર વધતા શંકાઓ જાગી હતી. જોકે ઘટના બાદ કોંગ્રેસ અને AAPના ઉમેદવાર અને કાર્યકર્તાઓ સ્ટ્રોંગ રૂમની બહાર જ પહેરો વધારી દીધો અને મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી ત્યાંથી નહીં હટવાનું જણાવી દીધું હતું.
સુરતમાં પણ સીસીટીવી બંધ થતા હોબાળો
નોંધનીય છે કે, સુરતમાં પણ આ પ્રકારે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી કેમેરા બંધ થઈ જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. સુરતની ઓલપાડ વિધાનસભામાં મતદાન બાદ EVMને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ બહાર સિક્યુરિટી રાખવામાં આવી છે, જોકે સ્ટ્રોંગ રૂમના સીસીટીવી બંધ થઈ જતા AAPના ઉમેદવાર ધાર્મિક માલવિયા ત્યાં પહોંચ્યા હતા અને તમામ સીસીટીવી કેમેરા બંધ થઈ જતા તેમણે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી, જેથી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
ADVERTISEMENT