દિલ્હી: દિલ્હી નગર નિગમ (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીએ 250માંથી 134 સીટ પર કબજો કરી લીધો છે. જ્યારે બહુમત માટે માત્ર 126 સીટની જ જરૂર હતી. એવામાં AAPએ સરળતાથી બહુમતીનો આંક પાર કરી લીધો છે. જ્યારે ભાજપને 103 અને કોંગ્રેસને 10 સીટો જ હાંસલ થઈ છે. અન્યને 3 સીટો પર જીત મળી છે.
ADVERTISEMENT
કેજરીવાલના મંત્રીઓના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું
મનીષ સિસોદીયાની વિધાનસભામાં 4 સીટ છે. જેમાંથી 3 પર ભાજપે જીત મેળવી છે. જ્યારે AAPને 1 જ સીટ મળી છે. જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનની વિધાનસભામાં પણ 3 વોર્ડ છે. જોકે તમામ વોર્ડમાં ભાજપનું કમળ ખીલ્યું છે. જ્યારે અરવિંદ કેજરીવાલના વોર્ડ નંબર 74 ચાંદની ચોકથી પાર્ટીના ઉમેદવાર પુનર્દીપ સિંહે ભાજપના ઉમેદવારને હરાવ્યા છે. જ્યારે AAPના ધારાસભ્ય અમાનતુલ્લાના વોર્ડ નંબર 189 જાકિર નગરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે.
ક્રમ | પાર્ટી | જીત |
1 | આમ આદમી પાર્ટી | 134 |
2 | ભાજપ | 103 |
3 | કોંગ્રેસ | 10 |
4 | અપક્ષ | 3 |
42 કેન્દ્રો પર ચાલી રહી હતી મતગણતરી
નોંધનીય છે કે, વોટની ગણતરી કરવા માટે ચૂંટણી પંચે કુલ 42 મતગણતરી કેન્દ્રો બનાવ્યા છે. મતની ગણતરી રિટર્નિંગ ઓફિસરો દ્વારા ઉમેદવારોની ઉપસ્થિતિમાં અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે 136 જેટલા એન્જિનિયરો પણ તૈનાત કર્યા હતા. આ તમામ મતગણતરી કેન્દ્રોની બહાર ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર રજીસ્ટર્ડ વ્યક્તિઓને જ એન્ટ્રી આપવામાં આવી હતી.
ADVERTISEMENT