Rajkot Crime News : રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા ગોંડલના 75 વર્ષીય રતના ડાભી નામના ભૂવા વિરુદ્ધ આઈપીસી 354 એ, 508, 509 તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. 75 વર્ષીય ભૂવાએ પરિણીતાને કહ્યું હતું કે 'નડતર દૂર કરવા માતાજીનું કાર્ય કરવું પડશે, જે માટે તારે અને તારી પુત્રીએ શરીર સંબંધ બાંધવા પડશે.' જેને લઈને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
ભૂવાએ કરી અઘટિત માંગણી
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા પાસે ગોંડલના 75 વર્ષીય વૃદ્ધ રતના ડાભી દ્વારા અઘટિત માંગણી કરવામાં આવી હતી. પરિણીતાની 17 વર્ષીય પુત્રીનો મગજ ખૂબ જ ગરમ રહેતો હતો અને પરિણીતા તેના પતિથી અલગ રહેતી હતી. જેના કારણે થોડા સમય પહેલા તે રતના ડાભી નામના ભૂવાના સંપર્કમાં આવી હતી. પોતાની જાતને ભૂવા તરીકે ઓળખાવનારા ડાભીએ પરિણીતાને કહ્યું હતું કે, 'તમારી ઉપર કોઈ વશીકરણ કરી નાખ્યું છે. જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે. જે માટે તમારે રૂપિયા 15000 અને તમારી પુત્રીના રૂપિયા 6,000 આપવા પડશે. એટલું જ નહીં તમારે અને તમારી પુત્રીએ મારી સાથે શરીર સુખ બાંધવાથી તમામ તકલીફો પણ દૂર થઈ જશે.'
મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
ત્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધી પોતાની આપવીતી જણાવતા હાલ ભૂવાને ભક્તિનગર પોલીસ દ્વારા ભૂવાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત અનુસાર શુક્રવારના રોજ ભૂવા રતના ડાભી ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો હતો. ભૂવાના આગમનથી તમામ કષ્ટ દૂર થઈ જશે તેવું પરિણીતાને લાગી રહ્યું હતું. પરંતુ ભૂવા દ્વારા અભદ્ર માગણી કરવામાં આવતા મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારબાદ તેણીએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
પોલીસે ભૂવાની ધરપકડ કરી તપાસ હાથ ધરી
હજુ પણ સમાજમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. લોકો અંધશ્રદ્ધામાં માને છે જેને કારણે આવા ઢોંગી ભૂવાઓ પોતાના ખિસ્સા ભરે છે અને અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી હવસ સંતોષવાના પ્રયાસ કરે છે. હાલ ભક્તિનગર પોલીસે ભૂવાની વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ ઢોંગી ભૂવાએ અગાઉ પણ શું આ રીતે કોઈ મહિલાને ભોગ બનાવી છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
(રિપોર્ટઃ રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT