ધનેશ પરમાર ,બનાસકાંઠા: સમગ્ર ગુજરાત જ્યારે ” એ કાપ્યો ની ચિચિયારીઓ વચ્ચે ” મકરસંક્રાંતિ ની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં દાયકાઓથી ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી. કેમકે 1996માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા.અને આખું ગામ હિબકે ચઢયું હતું. ગામમાં ખુશીનો ઉત્સવ માતમ માં ફેરવાયો હતો. અને આખું ગામ હિબકે ચઢયું હતું. આ ગામમાં પતંગ ઉડાવનારને 11,000નો દંડ ફટકારવામાં આવે છે.
પતંગ ઉડાડવાની મોજમાં બે ના મોત થી સ્તબ્ધ બનેલ ગામલોકોએ તે બાદ વેચારિક મંથન કર્યું હતું અને ઠરાવ્યું હતું કે આવો બનાવ પુનઃ ના બને તે માટે હવે થી ફતેપુરા ગામ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી નહિ કરે,અને ગામના બે બે યુવાનો ની અર્થી ઉઠતા આ નિર્ણય પર સર્વ સમંત મહોર લાગી હતી.ત્યારથી આજ દિન સુધી આ ફતેપુરા ગામમાં ઉતરાયણ દિવસે પતંગ હવામાં દેખાતાં બંધ થયા છે.અને ગામમાં ઉતરાયણ દિવસે સન્નાન્ટો છવાયેલ જોવા મળે છે.
જો પતંગ ચગાવ્યો તો 11000 દંડ
આ ગામ ૧૯૯૬ માં પતંગ ઉડાવતાં બે આશાસ્પદ યુવાનો વીજ કરંટ અકસ્માતમાં ગુમાવી ચૂક્યું છે.જેથી ઉતરાયણ આ ગામ અભિશાપ માને છે.અને ભવિષ્યમાં આવો કોઈ અજુગતુનાં બને તે માટે ગ્રામજનો એ કડક નિયમ બનાવ્યો છે કે જો કોઈ પતંગ ઉડાવશે તો તેને રૂપિયા 11,000નો દંડ ભરવો પડશે.
1996 ની દુઃખદ યાદો ભૂલાવવા ગ્રામજનો કરેછે ધર્મકર્મ
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ ધાર્મિક પ્રવૃત્તિ વાળું ગામ છે. જેથી ઉતરાયણ પર્વ માં આખું ગામ ધર્મમય ભાવ સાથે ભેગુ થાય છે. અહી વડીલો ધાર્મિક લાગણીઓની વાત કરે છે. ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવાય છે. તો વળી ,ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે 1996 જેવો શોકનો માહોલના સર્જાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવે છે.
અબોલ પક્ષીઓની રક્ષણ માટે આગળ આવવા તમામને અપીલ કરે છે. એટલુજ નહિ વીજ શોક લાગે તેવા ઉપકરણો વાયરોથી દુર રહેવા અને અકસ્માત ટાળવા પણ, આ યુવાનો ઘેર ઘેર સમજ આપે છે. તેમજ બિનજોખમી એવા ક્રિકેટર પ્રેમને આગળ ધપાવી યુવાનો આખો દિવસ ક્રિકેટ મેચ રમી, ઉતરાયણ પર્વનો દિવસ પૂરો કરે છે. અને મોડે રાત્રે ઈશ્વરનો આભાર માની, હાશકારો પણ અનુભવે છે કે હાશ આપણાં ગામમાં ઉતરાયણના દિવસે કોઈ અમંગળ બનાવ બન્યો નથી.