ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. ત્યારે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ લોકો મતદાનમાં ભાગ લે અને લોકશાહીના પર્વને પાવન કરે એની પહેલ શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લા પ્રશાસન દ્વારા બૂથ ચલો કેમ્પેઈનને લોન્ચ કરાયું છે. જાણો આમાં કોણ કોણ જોડાશે અને કેવી રીતે લોકોમાં વધુને વધુ મતદાન થાય એની જાગૃતિ લવાશે.
ADVERTISEMENT
બૂથ ચલો કાર્યક્રમ શરૂ…
જૂનાગઢ પ્રશાસન દ્વારા મતદાન કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી પંચ દ્વારા કેશોદ ખાતે “બુથ ચાલો”નો અનોખો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. આના માટે જિલ્લા કલેક્ટર રચિત રાજે કેશોદ ખાતે આંગણવાડી અને આશા વર્કર બહેનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ કેમ્પેઈનનો હેતુ વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જોડાય એનો છે. આ અંતર્ગત રચિત રાજે ગામના મુખ્ય લોકો સાથે પણ ચર્ચા કરી હતી અને બૂથ ચલો કેમ્પેઈન કેવી રીતે આગળ વધારાય તેનું પ્લાનિંગ કર્યું હતું.
જિલ્લા કલેકટર રચિત રાજે વધુમાં આ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે કયા કારણોસર ઓછા લોકો મતદાન કરે છે તથા મતદાનની ટકાવારી વધારવા શું કરાય એની ચર્ચા કરાઈ હતી. તથા મતદાનમાં જે લોકો ભાગ નથી લેતા એની પાછળનું શું કારણ છે તે પણ જાણવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. આ તમામ ચર્ચા પછી જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે ખાસ પ્રેરણા આપતો કાર્યક્રમો કરવામાં આવ્યો હતો.
આશાવર્કર અને આંગણવાડી બહેનો એક્ટિવ..
મતદાન જાગૃતિ માટે આંગણવાડી અને આશાવર્કર બહેનોને “બુથ ચાલો ” કાર્યક્રમ હેઠળ એક્ટિવ કરી દેવાયા છે. કેમ્પેઈનમાં દરેક ઘરના દરેક મતદાર બુથ સુધી પહોંચે એના માટે આયોજન કરાયું છે.
જિલ્લામાં 82 ટકા મતદાનનો ગોલ…
જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 63%મતદાન થયું હતું. જે હવે 82% થાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ ખાસ લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે. લોકો વધુ જાગૃત થાય અને મતદાન બુથ સુધી પહોંચે એ માટે જાગૃતિ લાવવા આશાવર્કરો અને આંગણવાડી બહેનો વધુ કાર્ય કરી શકે એ માટે આજે પ્રેરણા આપવાનું કામ કલેકટરે કર્યું હતું.
નોંધનીય છે કે ગુજરાતમાં 1 ડિસેમ્બરે જુનાગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. ત્યારે વધુ મતદાતાઓ આ લોકશાહીના પર્વમાં જોડાય એના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT