અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તાને લઈને અનેકવાર રાજકીય યુદ્ધો થયા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ નવી આવેલી આમ આદમી પાર્ટીએ શિક્ષણની ગુણવત્તાને લઈને ભાજપને અનેક પડકારો ફેંક્યા હતા. હવે કોંગ્રેસે ભાજપ સરકારને સવાલો કર્યા છે. ગુજરાતમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને કોંગ્રેસે ગુજરાતની નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે સવાલો કર્યા છે. સરકારે શ્રમ વિકાસ વિભાગના કરોડો રુપિયા વાપરી નાંખ્યા પરંતુ ગુણવતામાં કોઈ સુધારો નથી થયો. આઈ ટી આઈને લઈ કોંગ્રસે ભાજપ પર સવાલો કરતાં કહ્યું કે, વર્ષ 2020માં ૩35,482 ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર 92 તાલીમાર્થીઓને રોજગાર મળ્યો છે.
ADVERTISEMENT
ભાજપે બગાડી ગુજરાતની દશા?
સમગ્ર દેશ અને ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (ITI) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ,પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની કથળતી શૈક્ષણિક અને માળખાકીય વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે સ્કીલ ડેવલપમેન્ટ અને શ્રમવિકાસ રોજગાર વિભાગના કરોડો રૂપિયા ક્યાં વપરાઈ રહ્યાં છે. તેવો ભાજપ સરકારને પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં તાલીમ મેળવ્યાં બાદ પણ યુવાનોને રોજગાર મળતો નથી. વર્ષ 2020માં ૩35,482 ઔદ્યોગીક તાલીમાર્થીઓ પાસ થયા હતા જેમાંથી માત્ર 92 તાલીમાર્થીઓને રોજગાર મળ્યો છે. શૈક્ષણિક વર્ષ 2021માં રાજ્યમાં 1,36,800 બેઠકો હતી જેમાંથી 81,200 બેઠક ભરાઈ, 40 ટકા થી વધુ બેઠકો ખાલી રહી હતી. આ ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા માત્ર 18.78 ટકા જ છે.
સરકારે રોજગારની માત્ર વાતો જ કરી
નીતિ આયોગના ઔદ્યોગીક તાલીમ સંસ્થા અંગેના અહેવાલે ભાજપ સરકારની ઔદ્યોગીક તાલીમ સંસ્થાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાની પોલ ખોલી નાખી છે. ગુજરાતની આઈ.ટી.આઈ.માં ઈન્સ્ટ્રક્ટર માટે કુલ 10,004 મંજુર કરવામાં આવી છે. જેમાંથી 4000 થી વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બે કરોડ રોજગાર આપવાની વાતો કરતી ભાજપ સરકાર પાસે રોજગારના કોઈ આંકડા નથી. ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ વર્ષ 2020 પહેલા અને પછી કેટલા તાલીમાર્થીઓને રોજગાર મળ્યો તેની કોઈ વિગત સરકાર પાસે નથી. ગુજરાતની 216 સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાંથી માત્ર 49 સંસ્થાઓ 2 થી વધુ ગ્રેડ અને માત્ર 36 સંસ્થાઓ એ 1 થી ઓછો ગ્રેડ મેળવ્યો છે. પ્રાઈવેટ 156 આઈ.ટી.આઈ. માંથી માત્ર 13 સંસ્થાઓએ 2 થી વધુ ગ્રેડ મેળવ્યો છે જ્યારે 76 આઈ.ટી.આઈ.એ 1 થી ઓછો ગ્રેડ મેળવ્યો છે.
આ પણ વાંચો: લલિત વસોયાનો ફરી છલકાયો ભાજપ પ્રેમ ? દારુબંધીને લઈને મુખ્યમંત્રીને આપી સલાહ
ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સુવિધાનો અભાવ
ગુજરાતમાં દિવસે દિવસે થઈ રહેલા ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓના કથળતા સ્તર અંગે નીતિ આયોગના અહેવાલમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગીક એકમો સાથેના જોડાણનો અભાવ, પુરતા સ્ટાફનો અભાવ, પુરતી માળખાકીય સુવિધાનો અભાવ, નાણાંકીય ફાળવણીમાં ઘટ, પ્લેસમેન્ટનો અભાવ સહિતના કારણે ગુજરાતના યુવાનો ઔદ્યોગીક તાલીમ મેળવ્યા બાદ પણ રોજગાર મળ્યો નથી ત્યારે ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ઈન્ડ્રસ્ટીઝ – ઈન્સ્ટીટ્યુટ જોડાણ મજબૂત કરવામાં આવે, પુરતા ક્વોલીફાઈડ ઈન્સ્ટ્રક્ટરોની નિમણૂંક કરવામાં આવે, કોર્પોરેટ સોશ્યલ રીસ્પોસીબીલીટી (સી.એસ.આર.) હેઠળના નાણાં ઔદ્યોગીક તાલીમ સંસ્થાને ટેકનીકલ મેનપાવર તૈયાર કરવા માટે વપરાય તોજ રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે જરૂરી “હર હાથને રોજગાર”મળશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT