મોરબી દુર્ઘટનાગ્રસ્તોના ન્યાય માટે રેલી યોજાઈ, રૂ.20 લાખની સહાય સહિત સરકારી નોકરી આપવા માગ

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આમાં અનેક પરિવારોના માળા વિખેરાય ગયા છે. તેવામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો…

gujarattak
follow google news

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આમાં અનેક પરિવારોના માળા વિખેરાય ગયા છે. તેવામાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન મૃતક પરિવારો ને ન્યાય મળે તે માટે સ્વયં સૈનિક દળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં મૃતક પરિવારને સહાય રાશિમાં વધારો કરવાની સાથે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.

20 લાખ રૂપિયાની સહાય કરવા ટકોર
મોરબી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતક પરિવારોને ન્યાય મળે એના માટે રેલીનું આયોજન કર્યું છે. આ રેલી મોરબીના નવા બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ. જેમાં લોકો દ્વારા જવાબદાર સામે કડક પગલા ભરવાની માગનો મુદ્દો ઉઠાવાયો છે. નોંધનીય છે કે રેલીમાં મૃતક પરિવારને 20 લાખ રૂપિયાના સહાય થાય તથા તેમના પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે એવી પણ માગ કરવામાં આવી છે.

મૃતકોના પરિજનોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર
મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ તૂટવાથી થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારે પહેલીવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સમગ્ર મામલાની તપાસ CBI અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી દ્વારા કરાવવાની માગણી કરી છે. અમદાવાદના દિલીપ ચાવડાએ આ અરજી દાખલ કરી છે જેમના ભાઈ અને પત્નીની બહેનનો જીવ આ દુર્ઘટનામાં જતો રહ્યો હતો.

વળતરની રકમ વધારવા રજૂઆત
અરજીકર્તાએ દલીલ કરી છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે, આથી તેમને આ વાતની સંભાવના ઓછી લાગે છે કે તપાસ નિષ્પક્ષ થશે. અરજીકર્તામાં મૃતકોના પરિવારજનોએ વળતરના નામ પર માત્ર 2 લાખ આપવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. દલીલ આપવામાં આવી છે કે ગુજરાત સરકાર ખેલાડીઓને 5 કરોડ સુધીની ઈનામી રકમ આપી ચૂકી છે, આથી મૃતકોના પરિવારજનોને સન્માનજનક રકમ વળતર તરીકે આપવામાં આવે, જેથી તેઓ આગળનું જીવન જીવી શકે.

With Input: Rajesh Ambaliya

    follow whatsapp