રાજકોટ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક વખત સવાલો ઉઠયા છે. ત્યારે રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેમ ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ, મારામારી અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટના આંબેડકર નગરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં 24 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં ભાજપના નેતા ભૂલ્યા ભાન, ડાયરામાં કર્યું બે રાઉન્ડ ફાયરિંગ
હુમલો કરી આરોપી ફરાર
આંબેડકરનગર નજીક 80 ફૂટ રોડ પર સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે.8 જેટલા લોકોની સિદ્ધાર્થ સાથે બોલચાલી થઈ હતી અને આ બોલાચાલીએ યુવકનો જીવ લીધો છે. બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સિદ્ધાર્થ પર જીવલેણ હુમલો કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
સારવાર પહેલા જ યુવકનું મોત
યુવક પર છરી વડે હુમલો થયાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસ તેમજ 108 ને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમ તાત્કાલિક ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ ગઇ હતી. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.
સિદ્ધાર્થ મનપાનો કર્મચારી હતો
મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા ગત મોડી રાત્રે 80 ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. 108ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો.
અંગત અડવાતના લીધે હત્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું
પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અંગત અદાવતમાં સિદ્ધાર્થ નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે.
ADVERTISEMENT