Gandhinagar News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા જ આંદોલન શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓએ જૂન પેન્શન યોજના સહિત અન્ય પડતર માંગોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓએ આજે પેન ડાઉન-ચોક ડાઉન કર્યું છે. તો સામે રાજ્ય સરકાર દ્વારા પણ પેન ડાઉન-ચોક ડાઉન કરનારા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી અમુક કર્મચારી મંડળોએ આંદોલન મોકૂફ રાખ્યું છે. કેટલાક કર્મચારી મંડળો પોતાની માંગ પર અડગ રહ્યા છે.
ADVERTISEMENT
સરકાર અને કર્મચારી યુનિયનો સામ સામે
લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના તથા પડતર માંગોને લઈને સરકાર સાથેની વાટાઘાટ દરમિયાન કોઈ ઉકેલ ન આવતા સરકારી કર્મચારીઓએ ફરી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારી યુનિયનો અને રાજ્ય સરકાર સામસામે આવી ગઈ છે. આજે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કરવામાં આવ્યું છે. જ્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 9મીએ ગાંધીનગર ખાતે મહા પંચાયતનું આયોજન કરવામાં આવનાર છે.
પેન ડાઉન આંદોલન શરૂ કરાયું
વિવિધ સરકારી કર્મચારી મહામંડળો સાથે જોડાયેલા યુનિયન દ્વારા જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા આજથી પેન ડાઉન આંદોલન શરુ કરાયું છે. બીજી તરફ સરકારે પણ વિરોધને લઇને પેનડાઉન કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવાનો આદેશ કર્યો છે.
સામાન્ય વહીવટી વિભાગે આપ્યો આદેશ
ગઈકાલે જ સાંજે જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તમામ સરકારી વિભાગના વડા અધિકારીઓ અને કર્મચારીઓને આજે કચેરીની કામગીરીથી અળગા રહે તો તેમની સામે નિયમ મુજબ કામગીરી હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યા હતો.
શું છે માંગણી?
- રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને જુની પેન્શન યોજના(OPS)નો લાભ મળે.
- સરકાર સાથે થયેલા સમાધાન અનુસાર 1-4-2005 પહેલા નિયુક્ત કર્મચારીઓને OPSમાં સમાવવામાં આવે
- કેન્દ્રના કર્મચારીઓની જેમ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે.
- નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો
- જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે.
- HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા
ADVERTISEMENT