આણંદમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગ્યો, ભાજપ-કોંગ્રેસના નેતાઓથી કેમ કંટાળ્યા છે લોકો?

હેતાલી શાહ/આણંદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા વિસ્તારોમાં સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ત્યારે આણંદ વિધાનસભા મત વિસ્તારમાં આવેલી 7…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા વિસ્તારોમાં સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ત્યારે આણંદ વિધાનસભા મત વિસ્તારમાં આવેલી 7 જેટલી સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. કારણ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ કોઈ પણ રાજકીય પક્ષ હલ કરી શક્યું નથી. જેને લઇને વિસ્તારમાં બોર્ડ લગાવી ચૂંટણી સમયે વોટ માગવા આવવું નહિ એવા બોર્ડ મૂકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

20 વર્ષથી સમસ્યા ન ઉકેલાતા રહીશો પરેશાન
ચૂંટણી આવે અને દરેક પક્ષો ડોર-ટુ-ડોર પ્રચારમાં લાગી જાય છે. પરંતુ પ્રચાર સમયે સ્થાનિકોની રજુઆતો માત્ર વોટ લેવા જ સાંભળવામાં આવતી હોય તેવો સૂર હાલ જોવા મળી રહ્યો છે. આણંદ વિધાનસભા મત વિસ્તારમાં આવતી શાંતિ દીપ સોસાયટી, ચૈતન્ય હરી સોસાયટી, રઘુવંશ સોસાયટી, અંજનીય આંગન, દરબાર ટેકરા, અવની પાર્ક અને કર્મ નગર વિસ્તારના લોકોએ પોતાની સોસાયટી બહાર એક બોર્ડ લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે, “કોઈપણ પક્ષે છેલ્લા 20 વર્ષથી અમારી પ્રાથમિક સમસ્યાઓનો હલ કરેલ નથી તો આપ લોકોએ અમારા વિસ્તારમાં ચૂંટણી સમયે વોટ માગવા આવશો નહીં અને અમને શરમમાં મૂકશો નહીં અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે.”

આણંદ અને વિદ્યાનગર નગરપાલિકા બંને એકબીજા પર ખો આપે છે
આ વિસ્તારમાં આશરે 1500 જેટલા મતદારો છે કે જેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.આ વિસ્તારના રહીશોની માંગણી છે કે, છેલ્લા ઘણા સમયથી ગટર કનેક્શન માટે આણંદ નગરપાલિકા, ધારાસભ્ય તથા સાંસદ સભ્યોને પણ રજૂઆત કરી છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ત્યારે ઉમેદવારો વોટ માંગવા આવે છે અને જીત્યા બાદ અહીંયા કોઈ ફરક તું જ નથી. જેને લઈને છેલ્લા ઘણા સમયથી અમે આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ગટર કનેક્શન તો આપવામાં આવ્યું છે. પરંતુ તે ગટર કનેક્શનને મેઇન લાઈન સાથે જોડવામાં નથી આવ્યું. જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર કનેક્શનને વિદ્યાનગર નગરપાલિકાના મેઈન ગટર લાઈન કનેક્શન સાથે જોડવું પડે એમ છે. જેને લઈને આ કનેક્શન થઈ શકતું નથી. આણંદ અને વિદ્યાનગર બંને વિસ્તારમાં નગરપાલિકામાં ભાજપ સત્તા પર છે. જ્યારે આણંદ વિધાનસભામાં કોંગ્રેસના કાંતિ સોઢા પરમાર ધારાસભ્ય પદે છે. તો આણંદ જિલ્લાના સાંસદ સભ્ય મિતેશ પટેલ છે. આ તમામને સ્થાનિકો રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ હજી સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. જેનાથી કંટાળીને મત માંગવા નહીં તેવા બોર્ડ મારીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

‘ચૂંટણી વખતે જ નેતાઓ દેખાય છે’
મહત્વનું છે કે, આણંદ વિધાનસભા મત ક્ષેત્રમાં અવારનવાર કોઈને કોઈ કારણોસર રહીશો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કારણ કે સ્થાનિકોએ કરેલી પ્રાથમિક સુવિધા અંગેની રજુઆતો નું નિરાકરણ જ આવ્યું નથી. સ્થાનિક પ્રિતેશ ભાઈના જણાવ્યા અનુસાર, “ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા જ આવે છે. ત્યારબાદ કોઈ અહીંયા ફરકતું જ નથી. એ ચાહે સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે કાઉન્સિલરો હોય માત્ર ચૂંટણી વખતે આવે છે. અને અમે લોકસભાના ઇલેક્શન વખતે પણ હાલના સાંસદ મિતેશભાઇ પટેલને રજૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ અહીંયા કોઈ આવ્યું જ નથી. ઘણી અરજીઓ પણ અમે આપી છે. જે પાલિકાના વોર્ડ સભ્યો છે એમને પણ અમારી આ સમસ્યાની ખબર છે પરંતુ તેઓ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અહીંયા આવતા જ નથી. ચૂંટણી પત્યા બાદ ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું નથી. આ વિસ્તાર જે છે એ આણંદમાં આવે છે પરંતુ બોર્ડર છે એ વિદ્યાનગર નગરપાલિકાની આવે છે. ત્યારે વોટ માંગવા માટે ધારાસભ્ય જ્યારે ચૂંટણીમાં આવે છે ત્યારે વિદ્યાનગર નગરપાલિકાના લોકો સાથે હોય છે. ત્યારે અમારે રજૂઆત કોને કરવાની?

‘તંત્ર વિકસિત વિસ્તારના ફોટો મૂકી લોકોને ઉલ્લુ બનાવે છે’
તેઓ કહે છે કે, કારણ કે આણંદ વાળા તો અહીંયા આવા તૈયાર જ નથી. અને એમને એવું છે કે ઇલેક્શનમાં તો અમને વોટ મલે જ છે, એટલે એ લોકો જે વિસ્તાર ડેવલોપ છે તેને જ ડેવલોપ કરીને સોશિયલ મીડિયામાં ફોટા ચડાવે છે અને પબ્લિકને ઉલ્લુ બનાવે છે. જે કામગીરી બાકી છે એનું શું? અમારે ચાર-પાંચ વર્ષથી ગટર કનેક્શન તો નાખવામાં આવ્યું છે પરંતુ મેઈન કનેક્શન સાથે જોડવામાં નથી આવ્યું. રજુઆત કરી તો એવું કહે છે કે વિદ્યાનગરપાલિકાની મેન લાઈનમાં જોડવું પડશે. તો ડમ્પીંગ સાઈટ માટે વિદ્યાનગરમાં કોઈ જગ્યા નથી ત્યારે આણંદ નગરપાલિકા સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આણંદમાં ડમ્પ કરવામાં આવે છે. તો ગટર લાઈન કનેક્શન માટે શા માટે કોઈ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકી નથી. બંને નગરપાલિકામાં ભાજપ જ સત્તા પર છે છતાં પણ આ સમસ્યા આવી રહી છે.”

‘ગટર લાઈન નહીં ત્યાં સુધી વોટ નહીં’
તો સ્થાનિક મહિલા ઉષાબેનના જણાવ્યા અનુસાર,” અમારે અહીંયા કસી જ સુવિધા મળતી નથી. એટલે અમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી અમને ગટર લાઈન નહીં મળે ત્યાં સુધીના અમે વોટ નહીં કરીએ. અહીંયા કચરો લેવા પણ કોઈ આવતું નથી. 35 – 40 વર્ષથી અમે અહીં પાણી બહાર કાઢીએ છીએ. હવે અમે થાકી ગયા છે. હવે અમે ચૂંટણી બહિષ્કાર કર્યો છે કે, વોટ આપવો જ નથી. જ્યાં સુધી ગટર લાઈન નહીં આવે ત્યાં સુધી અમે વોટ જ નહીં આપીએ.”

હાલમાં ચૂંટણી પ્રચારમાં સ્થાનિકોના મુદ્દાઓને લઈને કોઈ વાત કરવામાં નથી આવી રહી. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષો સ્થાનિકોના મુદ્દાને ભૂલી જ ગયા છે. જેને લઈને ઠેર ઠેર વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં આણંદ વિધાનસભા બેઠક કે જે ભાજપનો ગઢ હતો તે બેઠક પર કોંગ્રેસ ના કાંતિભાઈ જીત્યા હતા. ત્યારે હવે આ વખતે આ વિસ્તારોનો ચૂંટણી બહિષ્કાર કોને નુકસાન કરશે તે જોવું રહ્યું.

    follow whatsapp