ગાંધીનગર: રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અગાઉ ફાળવાયેલા બંગલા હજુ સુધી ખાલી ન કરતા આખરે તેમના બંગલાના તાળા તોડીને કબજો લેવામાં આવ્યો છે. નિયમ મુજબ પૂર્વ ધારાસભ્યોએ પોતાનું પદ ગુમાવવા સાથે જ સરકારી આવાસો ખાલી કરી દેવાના હોય છે. વિધાનસભાની નોટિસ બાદ તમામ પૂર્વ ધારાસભ્યોને બંગલા ખાલી કરવા માટે ઘણા સમય પહેલાથી સૂચના અપાઈ હતી, જોકે તેમ છતાં કેટલાક નેતાઓ બંગલો છોડી રહ્યા નહોતા. એવામાં આજે આવા ધારાસભ્યોના ક્વાટર્સનું તાળું તોડીને કબ્જો લઈ લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ ધારાસભ્યોના બંગલા તોડી કબ્જો લેવાયો
ગાંધીનગરમાં આવેલા સેક્ટર. 21ના સદસ્ય નિવાસમાં આજે કાલોલના પૂર્વ ધારાસભ્ય સુમન ચૌહાણ, દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેક, મહુવાના પૂર્વ ધારાસભ્ય રાઘવજી મકવાણા, કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલાના તાળા તોડીને તેનો કબ્જો લેવામાં આવ્યો છે.
ગઈકાલે પણ બે ધારાસભ્યોના આવાસનું તાળું તોડાયું હતું
નોંધનીય છે કે, ગઈકાલે પણ ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમાર સહિત બે પૂર્વ ધારાસભ્યોના ઘરના તાળા તોડીને કબજો લેવામાં આવ્યો હતો. ત્યારે આવતીકાલે વધુ બે પૂર્વ ધારાસભ્યો તેમના ઘરની ચાવી પરત સોંપી દેશે. જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરાભ પટેલ તથા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પહેલાથી જ સરકારી બંગલા ખાલી કરીને ચાવી પરત સોંપી દીધી છે.
ADVERTISEMENT