અમદાવાદ: ગુજરાતના માથે તોળાઈ રહેલા બિપોરજોય વાવાઝોડાના સંકટ સામે લડવા માટે તંત્ર સજ્જ છે. આવતીકાલે કચ્છ જિલ્લામાં વાવાઝોડું ત્રાટકશે. આ પહેલાથી વાવાઝોડાની અસર દરિયા કાંઠાના વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જોખમી સ્થળો પરથી લોકોના સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. મંગળવાર સુધીમાં ગુજરાતના 8 જિલ્લામાંથી 37,794 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તો રેસક્યુની કામગીરી માટે એરબેઝ પર હેલિકોપ્ટર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
NDRF-SDRFની ટીમો દરિયાઈ વિસ્તારોમાં તૈનાત
વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના જિલ્લાઓમાં જોવા મળશે. ત્યારે દરિયાઈ પટ્ટી પરના 6 જિલ્લામાં NDRFની 17 અને SDRFની 12 જેટલી ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે અમદાવાદથી પણ 108 એમ્બ્યુલન્સને કચ્છ અને દ્વારકામાં મોકલવામાં આવી છે. તો 40 હજાર જેટલા ફૂડ પેકેટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 1500થી વધુ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સ્થળાંતર કરેલા લોકોને સલામત રાખવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લામાં કન્ટ્રોલરૂમ શરૂ કરાયો
મંગળવારે ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા તથા ગાંધીનનગર, નલિયા, દ્વારકા અને અમરેલીમાં પૂર રાહત કાર્યોનું રિહર્લ કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો આ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કોઈપણ મુશ્કેલીની સ્થિતિમાં મદદ માટે જાણ કરી શકે છે. આ ઉપરાંત 1077 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ કાર્યરક કરાયો છે.
કચ્છમાં વાવાઝોડાની વધુ અસર થશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 14મી જૂનથી 16મી જૂન સુધી કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ ધોધમાર વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT