રાજકોટ: આયુર્વેદિક બિયરના નામે ખુલ્લેઆમ નશાકારક પીણાનું સૌરાષ્ટ્રભરમાં વેચાણ થઈ રહ્યું છે. યુવાધનને નશાના રવાડે ચડાવતી આ આયુર્વેદિક બીયરની બોટલમાં સામાન્ય બિયર કરતા પણ વધુ આલ્કોહોલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઉપલેટામાં પોલીસ અચાનક સક્રિય થઈને એક પાનના ગલ્લા પર રેડ કરીને આયુર્વેદિક બીયરના નામે વેચાતા નશાકારક પદાર્થની 14 બોટલ જપ્ત કરી હતી. જે બાદ પૂછપરછ કરતા ગોડાઉન પર દરોડા પાડીને 33 લાખથી વધુની કિંમતની બોટલો ઝડપી પાડી હતી.
ADVERTISEMENT
પાનના ગલ્લે આયુર્વેદિક બીયરના નામે નશાકારક પીણાં વેચાય છે
ઉપલેટામાં પાંજરાપોળ પાસે પાનના ગલ્લામાં આયુર્વેદિક બિયરના નામે નશાકારક પીણાં વેચાતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ દરોડા પાડતા ગલ્લામાંથી 14 બોટલો મળી આવી હતી. ગલ્લા માલિકની પૂછપરછના આધારે એક ગોડાઉનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ 22 હજાર કરતા વધુ બોટલો મળી આવી હતી જેની કિંમત 33 લાખ રૂપિયા જેટલી થાય છે. આયુર્વેદિક બીયરનો નશાબંધી અને આબકારી વિભાગના લાયસન્સ વિના મોટી સંખ્યામાં સ્ટોક કરવો એ ગુનો ગણાય છે.
સામાન્ય બીયર કરતાં 3 ટકા વધુ આલ્કોહોલ
ચોંકવાનારી બાબત તો એ છે કે, સામાન્ય બિયરની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 8 ટકા જેટલું મળી આવતું હોય છે. ત્યારે આ આયુર્વેદિક બિયરની બોટલમાં 11 ટકા જેટલું આલ્કોહોલ હતું. એવામાં ખુલ્લે આમ વેચાતી આ આયુર્વેદિક બિયરનું સેવન કરનારા લોકો નશાકારક પીણાના રવાડે ચડી જાય છે. હાલ તો આ મામલે પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ લેવામાં આવી છે અને FSL રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT