નર્મદા: વિધાનસભાની ચૂંટણી પહેલા જ નર્મદા જિલ્લામાં આજે મંગળવારે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)માં એક સાથે 3 જેટલા નેતાઓએ રાજીનામા ધરી દેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. એક જ સાથે નર્મદાના જિલ્લા પ્રમુખ, ડેડિયાપાડાના તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.
ADVERTISEMENT
એક સાથે 3 આગેવાનોના રાજીનામા
BTPના નર્મદા જિલ્લાના પ્રમુખ ચેતર વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. તમામે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજીનામું ધરી દીધું હતું. તમામની સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થતા નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ તમામ હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.
BTP તૂટવા પર શું બોલ્યા મનસુખ વસાવા?
ગુજરાતમાં બીટીપી તુટવા પર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, હું હંમેશા કહેતો આવ્યો છું કે, આ દેશમાં અને ગુજરાતમાં ક્યારેય પણ કોઈ પ્રાદેશિક પક્ષ ટકી રહેવાનો નથી. હંમેશા નેશનલ લેવલની પાર્ટી ચાલવાની છે અને તેને જ લોકો અપનાવવાના છે. BTPના છોટુ વસાવા અને મહેશ વસાવાએ અનેક પાર્ટીઓ બદલી છે. જનતા પક્ષમાં હતા જનતા દળ વ્યૂમાં હતા. ત્યાર પછી ઓવૈશી સાથે ગયા, આપ સાથે ગયા અને હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરે છે. પાર્ટીની સ્થિરતા ન હોવાના કારણે હવે કાર્યકર્તાઓને પણ તેમના પર ભરોસો રહ્યો નથી.
AAPમાં જશે BTPના નેતા?
નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ઘણી વધી છે. તાજેતરમાં જ ડાંગ અને નવસારીના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં પણ ઘણા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે હવે નર્મદા જિલ્લામાં પણ BTPના આગેવાનો આપમાં જોડાતા ચોક્કસથી આગામી ચૂંટણીમાં તેનું નુકસાન BTPને થશે.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT