અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી આયોજિત T20 વર્લ્ડ કપ પહેલા ઈન્ડિયન ટીમને મોટો ફટકો પડ્યો છે. ભારતના સ્ટાર પેસર અને મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ ઈન્જરીના કારણે T20 વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આ અંગે જાણકારી આપી છે. જોકે BCCIએ હજુ સુધી વર્લ્ડ કપમાં રમવા અંગે કોઈ સત્તાવાર નિવેદન બુમરાહને લઈને આપ્યું નથી. પરંતુ વર્લ્ડ કપ પહેલાં ગુજરાતના 2 ગેમ ચેન્જર ખેલાડી વિના ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડી શકે છે. રવીન્દ્ર જાડેજા પછી હવે જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપની પ્લેઇંગ-11માં સ્થાન મેળવવાના પણ પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા. પરંતુ તેમની એક્ઝિટ ટીમ માટે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે.
ADVERTISEMENT
ભારતીય ટીમને 2 મોટા ફટકા પડ્યા
ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ કે જેમની જગ્યા વર્લ્ડ કપની સ્ક્વોડમાં જ નહીં પરંતુ પ્લેઈંગ-11માં પણ લગભગ નક્કી થઈ શકે એમ હતી. તે ઈન્જરીના કારણે બહાર થઈ જતા ભારતને મોટો ફટકો પડ્યો છે. રવિન્દ્ર જાડેજા પછી હવે જસપ્રીત બુમરાહને પણ ઈન્જરીના કારણે વર્લ્ડ કપની ટિકિટ મળી શકશે નહીં. PTIના જણાવ્યા પ્રમાણે બુમરાહને બેક સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે, જેના પગલે તે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે.
બુમરાહને થઈ છે ગંભીર ઈજા
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં જ કમબેક કર્યું હતું. આની પહેલા તે ઈન્જરીના કારણે બહાર થઈ ગયો હતો. પરંતુ કમબેકમાં 2 મેચ જ તે રમી શક્યો અને ફરીથી દ.આફ્રિકા સામેની પહેલી મેચમાં તેની પસંદગી થઈ નહોતી. આ દરમિયાન ઈજાના કારણે બુમરાહને પસંદ ન કરાયો હોવાની માહિતી મળી હતી. તેવામાં હવે PTIના રિપોર્ટ્સ પ્રમાણે BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે જસપ્રીત બુમરાહને ગંભીર ઈજા પહોંચી છે અને તે ક્રિકેટના મેદાન પર 4થી 6 મહિના સુધી કમબેક કરી શકશે નહીં.
વર્લ્ડ કપ સ્ક્વોડમાં 4 ગુજરાતી ખેલાડીઓ, પરંતુ બુમરાહ ઈજાગ્રસ્ત…
આમ જોવા જઈએ તો વર્લ્ડ કપ સ્ક્વોડમાં ગુજરાતી ખેલાડીનો પંચ… વિરોધી ટીમને વાગી શકે એમ હતો. પરંતુ રવિન્દ્ર જાડેજા ઈન્જરીના કારણે ટીમમાં પસંદ થઈ શક્યો નથી. તેવામાં BCCIએ જે T20 વર્લ્ડ કપ સ્ક્વોડ બહાર પાડી હતી એમાં ગુજરાત કનેક્શન ધરાવતા 4 ખેલાડીઓની પસંદગી કરી હતી. અહીં હાર્દિક પંડ્યા, હર્ષલ પટેલ, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહની એન્ટ્રી થઈ ગઈ હતી.
જોકે હવે જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કપમાં નહીં રમી શકે એવી માહિતી સામે આવી રહી છે. નોંધનીય છે કે બુમરાહ બેક સ્ટ્રેસ ઈન્જરીના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આને જોતા હવે ટીમ કોમ્બિનેશનથી લઈ મેનેજમેન્ટ સામે અન્ય ઘણા સવાલો ઉઠ્યા છે.
બુમરાહની કમી એશિયા કપમાં વર્તાઈ
ઈન્ડિયન ટીમ એશિયા કપ 2022 જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તેવામાં બુમરાહ આ ટૂર્નામેન્ટનો ભાગ રહ્યો નહોતો. ભારતીય ટીમે આ દરમિયાન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. નોંધનીય છે કે એશિયા કપમાં અંતિમ ઓવર્સમાં બુમરાહ જેવી પકડ અને લય અન્ય કોઈ બોલર મેળવી ન શકતા ભારત આ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયું હતું. તેવામાં જોવાજેવું એ રહેશે કે વર્લ્ડ કપમાં પણ બુમરાહની કમીથી ટીમને કેટલો મોટો ફટકો પડી શકે છે?
ADVERTISEMENT