અમદાવાદઃ સમગ્ર ગુજરાત અત્યારે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં થઈ શકે છે તો એની પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. અત્યારે પોસ્ટર વિવાદ, ઈટાલિયોનો વીડિયો હોય કે પછી આપના પલટવાર..તમામ ઘટનાઓથી રાજકીય માહોલ જામી ગયો છે. વળી આમ આદમી પાર્ટી જેવી રીતે ભાજપને પડકાર ફેંકી રહી છે એને જોતા લાગી રહ્યું છે કે હવે BJPને ઘણા સમય પછી રણનીતિ બદલવા અને નવી ઘડવા કોઈ પાર્ટી એક્ટિવ કરી રહી હોય. જોકે આનાથી ભાજપ પહેલા કરતા પણ વધારે સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ હોય એમ અનુમાન લગાવાઈ રહ્યું છે. જેવી રીતે એકપછી એક ચૂંટણી પહેલા વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત ભાજપ દ્વારા કરાઈ રહ્યું છે એને જોતા ભાજપે પણ આ ચૂંટણી જીતવા કમર કસી લીધી છે. વળી ભાજપની પકડ નરેન્દ્ર મોદીના કારણે ગુજરાત પર ઘણી મજબૂત જણાઈ રહી છે. તેવામાં આ જંગમાં કોણ બાજી મારશે એ તો છેવટે જનતા જ નક્કી કરશે…
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સતત ભાજપ પર આક્ષેપોનો મારો ચલાવી રહી છે. તો બીજી બાજુ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આનો પોતાની આગવી રાજકીય કુશળતાથી જવાબ આપી રહ્યા છે. એક બાજુ આપ દ્વારા પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભાજપે મેટ્રો પ્રોજેક્ટથી લઈ અનેક વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તની ભેટ ગુજરાતને આપી છે. તેવામાં હવે સત્તા કોને આપવી એ તાકાત તો જનતા પાસે જ રહેલી છે. ચલો આપણે બંને પાર્ટીના ચૂંટણી પહેલાના શાબ્દિક રણસંગ્રામ પર નજર કરીએ…
BJP મિશન 182 તો AAP મિશન ગુજરાત 2022નું ભાવિ જનતાના હાથમાં…
ચૂંટણી પહેલા ભાજપ સામે કોંગ્રેસ પાર્ટીનો પડકાર રહ્યો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બેઠકોની સદી ફટકારી શક્યું નહોતું. એને જોતા 2022 દરમિયાન લાગી રહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાનદાર ટક્કર થશે. પરંતુ આ પાંચ વર્ષની અંદર ભાજપે આગવી રણનીતિથી પોતાની પકડ વધુ મજબૂત કરી લીધી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ લગભગ આ રેસમાંથી ફેંકાઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે.
આ તમામ સમિકરણોને જોતા લાગી રહ્યું હતું કે ભાજપ ફરીથી એકતરફી જીત મેળવી લેશે. પરંતુ આમ આદમી પાર્ટી જાણે આઉટ ઓફ સિલેબસ પ્રશ્નપત્ર હોય એવી રીતે બહાર આવી ગઈ છે. તેણે ભાજપ પર સીધું નિશાન સાધવાના બદલે જનતાના પ્રાથમિક પ્રશ્નો જેવા કે બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારી, વીજળી વગેરે..ટાંકીને વિવિધ ગેરન્ટીઓ આપવાનું શરૂ કર્યું. ચૂંટણીના મહિનાઓ પહેલા પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવાની હોય કે પછી રોડ શો કરવાનો હોય. દરેકમાં આમ આદમી પાર્ટીએ પહેલ કરી દીધી હતી. જેની સીધી અસર ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિ પર પડી હોય એમ લાગી રહ્યું છે.
ભાજપ સુપર એક્ટિવ મોડમાં…
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 રાજ્યના ઈતિહાસના પાનાઓમાં લખાઈ રહી હોય એમ લાગે છે. ભાજપને ઘણા દશકાઓ પછી કોઈ એવી પાર્ટી મળી છે જે પડકાર ફેંકી રહી છે એમ લાગી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ AAPની રણનીતિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ધર્મ-જાતિ મુદ્દે ગુજરાતમાં રાજનીતિ થતી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના આગમનથી હવે રાજ્યમાં જનતાના પ્રાથમિક મુદ્દાઓને લઈને ચર્ચાઓ, ડિબેટ તથા ગેરન્ટીઓ આપવામાં આવે છે.
AAPએ ભાજપ પર અલગ અંદાજે નિશાન સાધ્યું…
ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાઈરલ થયો ત્યારપછી આમ આદમી પાર્ટીએ BJPને સવાલો પૂછ્યા કે, વધતી બેરોજગારી, મોંઘવારી, પેપર ફૂટી જવાની ઘટના, લઠ્ઠાકાંડના આરોપીઓ, વધતો જતો ભ્રષ્ટાચાર, તૂટેલા રોડ રસ્તા, મોંઘું શિક્ષણ, બિસ્માર હોસ્પિટલો, MSP પાકોની ખરીદીના વિષય પર તમારી પાસે શું આગામી પ્લાન છે? આનું નિવારણ આવી શકે એમ છે કે નહીં?
શું શાબ્દિક વોરની અસર જનતા પર થશે?
ADVERTISEMENT