દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિષભ પંતનો કાર અકસ્માત થયો છે. રિષભ પંતનો દિલ્હીથી ઉત્તરાખંડના રૂરકી જતી વખતે આ અકસ્માત થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. 30 ડિસેમ્બરની સવારે આ સમાચાર આવતાની સાથે જ ક્રિકેટ જગતમાં હંગામો મચી ગયો હતો, આની સાથે ચાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રિષભ પંતની હજુ પણ સારવાર ચાલી રહી છે, પરંતુ હવે આની સાથે તેની કારકિર્દીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
MRI બાદ સ્થિતિ સ્પષ્ટ થશે…
સારવાર કરી રહેલા ડો.સુશીલ નાગરે જણાવ્યું છે કે તેના કપાળ અને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. જે શરૂઆતનો એક્સ-રે કરવામાં આવ્યો છે તેમાં શરીર પર ફ્રેક્ચર કે દાઝવા જેવી કોઈ વસ્તુ જોવા મળી નથી. પરંતુ હવે એમઆરઆઈ અને અન્ય રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
રિષભ પંતના કપાળ પર બે ઉઝરડા છે, જેમાંથી એક ડાબી આંખની ઉપર છે. આ સાથે તેના ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે તેની પીઠ પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં રિષભ પંતને આમાંથી સાજા થવામાં ઘણો સમય લાગી શકે છે.
રિષભ બાંગ્લાદેશ સિરીઝ પછી ઈજાગ્રસ્ત હતો
ઉલ્લેખનીય છે કે રિષભ પંત બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી બાદ ઈજાગ્રસ્ત થયો હતો. શ્રીલંકા સામેની ટી20 અને વનડે શ્રેણીમાં પણ તેની પસંદગી કરવામાં આવી નહોતી. રિષભ પંતને બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું, જ્યાં તે સ્વસ્થ થવાનો હતો.
BCCIએ શું આપ્યું નિવેદન?
રિષભ પંતના અકસ્માત પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અકસ્માત બાદ રિષભ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, બોર્ડ પરિવાર અને હોસ્પિટલના સંપૂર્ણ સંપર્કમાં છે અને તેને શ્રેષ્ઠ સારવાર આપવાના પ્રયાસો ચાલુ છે.
BCCIના જણાવ્યા અનુસાર, રિષભ પંતના કપાળ પર બે કટ છે અને તેના ઘૂંટણમાં ઈજા થઈ છે. રિષભ પંતને અંગૂઠા, એડી, કાંડા અને પીઠ પર ઈજા થઈ છે. રિષભ પંતની હાલત સ્થિર છે અને તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ડોકટરે શું કહ્યું?
ઈમરજન્સી યુનિટમાં પંતની સારવાર કરનારા ડો. સુશીલ નાગરે જણાવ્યું છે કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેની વધુ તપાસ કરવી પડશે. તેણે કહ્યું, ‘જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે પણ વાત કરી, તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.’
તેણે કહ્યું,’તેને માથામાં ઈજા છે, પરંતુ મેં ટાંકા નથી લીધા. મેં તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે. એક્સ-રે દર્શાવે છે કે કોઈ હાડકું તૂટ્યું નથી. જમણા ઘૂંટણમાં ઈજા છે અને તે કેટલી ગંભીર છે તે એમઆરઆઈ અથવા વધુ તપાસ દ્વારા જાણી શકાશે.
લિગામેન્ટની ઈન્જરી અંગે અપડેટ…
રિષભ પંતને લિગામેન્ટમાં ઈજા પહોંચી છે. તેમાંથી સાજા થતા રિષભને 2થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે પંતના પીઠ પર પણ ઈજા થઈ છે. સોશિયલ મીડિયામાં જે તસવીરો વાઈરલ થઈ છે એમા તેને આગળના ભાગે દાઝી ગયો હોય એમ લાગી રહ્યું નથી. ડોકટર નાગરે કહ્યું કે રિષભ પંતને ઈન્જરી એટલે થઈ કારણ કે તેણે જ્યારે જોયું કે ગાડીમાં આગ લાગી છે ત્યારે તે બહાર કૂદી ગયો હતો. પીઠ પર પડી ગયો હોવાથી તેની પાછળના ભાગની ચામડી છોલાઈ ગઈ હતી.
મેક્સ હોસ્પિટલ, દેહરાદૂનના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. દિશાંત યાજ્ઞિકે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની એક ટીમ પંતની સારવાર કરી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તેમની સરકાર પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. ધામીએ અધિકારીઓ પાસેથી પંતની સ્થિતિ વિશે માહિતી લીધી અને તેમની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા કહ્યું.
શું કારકિર્દી જોખમમાં છે?
સોશિયલ મીડિયામાં વાઈરલ તસવીરો અને પંતની સ્થિતિને જોતા ગંભીર ઈન્જરી લાગી શકે છે. જોકે ડોકટરોની ટીમ સતત હાજર છે. તેવામાં પ્રાથમિક માહિતી પ્રમાણે રિષભ પંતને 6 મહિના સુધીનો આરામ લેવો પડી શકે છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો આગામી ઘણી ઈન્ડિયન ટીમની મહત્ત્વપૂર્ણ સિરીઝ આવવાની છે તેમાં રિષભ રમી શકે એમ લાગી રહ્યું નથી. એટલું જ નહીં રિકવરી પછી ક્રિકેટ રમવા માટે તે કેટલો ફિટ છે અને ક્યાં સુધીમાં ફિટ થશે એ પણ જોવાજેવું રહ્યું.
IPL પણ મિસ કરી શકે છે…
રિષભ પંત IPLની દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન છે. ઉલ્લેખનીય છે કે IPLમાં રમવું એટલે સતત 2 મહિના સુધી ક્રિકેટ રમવું પડે છે. ત્યારે આના માટે ફિટનેસ જરૂરી છે. હવે જો પંત 6 કે તેથી વધુ મહિના સુધી ઈજાગ્રસ્ત રહેશે તો તેની કારકિર્દી સામે પણ સંકટ ઉભું થઈ શકે છે.
ADVERTISEMENT