Independence Day (India) : ભારત દેશના 'સ્વતંત્રતા દિવસ' તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે 'સ્વતંત્રતા દિવસ' ઉજવવામાં આવે છે. આ વર્ષની 15મી ઓગસ્ટના રોજ 78મો સ્વતંત્રતા દિવસ છે.
ADVERTISEMENT
આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે, જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે તેને 'ધ્વજારોહણ' કહેવામાં આવે છે. ત્યારબાદ વડાપ્રધાન પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડાપ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.
ADVERTISEMENT