ગાંધીનગર: ગુજરાતમાં આજે બીજા તબક્કાની ચૂંટણીના મતદાનમાં સવારે PM મોદીએ મતદાન કર્યા બાદ, બપોરે 100 વર્ષના હિરાબાએ આજે મતદાન કર્યું હતું. હિરાબાએ પરિવાર સાથે ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી રાયસણ પ્રાઈમરી સ્કૂલમાં મતદાન કરવા માટે વ્હીલચેરમાં બેસીને પહોંચ્યા હતા અને તેમણે પોતાનો વોટ આપ્યો હતો.
ADVERTISEMENT
PMએ 6 વર્ષ બાદ મોટાભાઈના ઘરે પહોંચી ચા પીધી
નોંધનીય છે કે, આજે સવારે PM મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં વોટ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓ બુથની અંદર લોકોની સાથે લાઈનમાં સામાન્ય વ્યક્તિની જેમ ઊભા રહ્યા હતા. આ બાદ વોટ આપી બહાર નીકળીને તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. બાદમાં તેઓ રાણીપમાં જ આવેલા તેમના મોટાભાઈના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા. 6 વર્ષ બાદ PMએ મોટાભાઈ સોમાભાઈ મોદી સાથે મુલાકાત કરી અને તેમના ઘરે થોડી મિનિટો સુધી રોકાઈને ચા પીધી હતી.
રાણીપમાં રહે છે સોમાભાઈ મોદી
PM સાથે મુલાકાત બાદ સોમાભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંને ભાઈએ લાંબા સમય બાદ સાથે બેસીને ચા પીધી હતી. જોકે તેમણે રાજકારણને લગતી કોઈ વાત નહોતી કરી. નોંધનીય છે કે, સોમાભાઈ મોદી વર્ષોથી રાણીપમાં રહે છે અને તેઓ વડનગરમાં વૃદ્ધાશ્રમ તથા ટ્રસ્ટ પણ ચલાવે છે.
ADVERTISEMENT