અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પોતાના 160 ઉમેદવારોના નામની યાદી ગઈકાલે જાહેર કરવામાં આવી હતી. આ વખતે ભાજપ દ્વારા કુલ 38 ધારાસભ્યોના નામ કાપવામાં આવ્યા છે. તેમાં પણ અમદાવાદ 10 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા નથી. ખાસ વાત તો એ છે તે હજુ 10 દિવસ પહેલા જ જે ધારાસભ્યો PM મોદી સાથે સ્ટેજ પર બેઠેલા હતા તેઓ જ ઉમેદવારોની યાદીમાંથી ગાયબ થઈ ગયા છે.
ADVERTISEMENT
31 ઓક્ટોબરે PMનો અમદાવાદમાં કાર્યક્રમ હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે અમદાવાદ આવ્યા હતા અને તેમણે અસારવા-ઉદયપુર ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન PM મોદી સાથે સ્ટેજ પર 4 સાંસદ અને અમદાવાદ શહેરના 12 ધારાસભ્યો હાજર હતા. જોકે આ કાર્યક્રમના 10 દિવસ બાદ જ ભાજપની જાહેર કરવામાં આવેલી યાદીમાં આ 12માંથી 10 ધારાસભ્યોની ટિકિટ કપાઈ ગઈ છે. માત્ર બે ધારાસભ્ય દસ્ક્રોઈના બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલના જગદીશ વિશ્વકર્માને જ ટિકિટ આપવામાં આવી છે.
આ 10 ધારાસભ્યોની અમદાવાદ શહેરમાં ટિકિટ કપાઈ
- વેજલપુર – કિશોર ચૌહાણ
- એલીસબ્રિજ – રાકેશ શાહ
- નારણપુરા – કૌશિક પટેલ
- નરોડા – બલરામ થવાણી
- વટવા – પ્રદિપસિંહ જાડેજા
- ઠક્કરબાપા નગર – વલ્લભ કાકડિયા
- અમરાઈવાડી – જગદીશ પટેલ
- મણીનગર – સુરેશ પટેલ
- સાબરમતી – અરવિંદ પટેલ
- અસારવા – પ્રદીપ પરમાર
ઘણા મોટા માથાઓના નામ કપાયા
આ ચૂંટણીમાં સાતમી વખત ટિકિટ મળવાનો દાવો કરતા વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ છે. તેમની સાથે સાથે અન્ય સીનિયર નેતાઓ અને પૂર્વ મંત્રીઓને પણ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. જેમાં બ્રિજેશ મેરજા, આર.સી ફળદુ, વાસણ આહિર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT