ગાંધીનગર: રાજ્યમાં જાન્યુઆરી મહિનાથી ઔદ્યોગિત, કોમર્શિયલ અને રહેણાંક કેટેગરીના વીજગ્રાહકોને યુનિટ દીઠ 25 પૈસા વધારે ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે. ‘જર્ક’એ ફ્યૂઅલ સરચાર્જમાં વધારો મંજૂર કર્યો છે, જેના કારણે GUVNLએ તમામ ચારેય સરકારી વીજ વિતરણ કંપનીઓને વધારે ફ્યૂઅલ સરચાર્જ વસૂલવા માટે પરિપત્ર જારી કરી દીધો છે. પરિણામે 3 કેટેગરીના અંદાજે 1.40 કરોડ વીજગ્રાહકો પર મહિને રૂ.167 કરોડ અને વર્ષે 2000 કરોડોનો બોજો પડશે. જ્યારે ખેડૂતોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ચૂંટણીના કારણે ન વધારેલો ભાવ હવે વસૂલાશે
ખાસ બાબત છે કે, ગત ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના ક્વાર્ટરમાં ચૂંટણીના કારણે ફ્યૂઅલ સરચાર્જમાં કોઈ વધારો મંજૂર નહોતો કરાયો. જેથી ચારેય વીજ કંપનીઓએ ગ્રાહકો પાસેથી યુનિટદીઠ રૂ.2.60 લેખે ફ્યૂઅલ સરચાર્જ વસૂલ કર્યો હતો. જોકે હવે ચૂંટણી પૂરી થતા જ 15 પૈસા પ્રતિયુનિટે વધારો અને 10 પૈસા પ્રતિ યુનિટ ઓટો રિકવરી પેટે જાન્યુઆરી 2023થી માર્ચ 2023 સુધીના ત્રણ મહિનામાં વસૂલવા જણાવાયું છે.
એક વર્ષમાં ફ્યૂઅલ સરચાર્જમાં 75 પૈસાનો વધારો
ખાસ વાત છે કે, સરકારી વીજ કંપનીઓ દ્વારા ફ્યૂઅલ સરચાર્જમાં યુનિટ દીઠ એક વર્ષમાં જ 75 પૈસા જેટલો વધારો ઝિંકી દેવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2022 દરમિયાન ફ્યૂઅલ સરચાર્જ યુનિટ દીઠ રૂ.2.10 હતો, જે એપ્રિલ-જૂન 2022 સુધીમાં 20 પૈસા વધીને 2.30 થયો. બાદમાં જુલાઈ-સપ્ટેમ્બર 2022 દરમિયાન તેમાં ફરી 30 પૈસાનો વધારો કરાયો અને ફ્યૂઅલ સરચાર્જ રૂ.2.60 થયો. હવે તેમાં 25 પૈસાનો વધારો ઝિંકવામાં આવ્યો છે આમ તે યુનિટ દીઠ વધીને 2.85 રૂ. થયો છે.
ADVERTISEMENT