Health Tips: શરીરના સારા સ્વાસ્થ્ય અને પોષણ માટે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળ, દૂધ, ઈંડાની સાથે બ્રેડ પણ મોટાભાગના લોકો માટે સૌથી સરળ વિકલ્પ રહે છે. ચોક્કસ તમે પણ નાસ્તામાં બ્રેડ ખાતા જ હશો, પણ કઈ? સામાન્ય રીતે આપણે બધા સફેદ બ્રેડ (વ્હાઈટ બ્રેડ)નું સેવન વધુ કરીએ છીએ. ઘણા લોકો તેને બટરની સાથે ખાતા હોય છે, તો કેટલાક આમલેટની સાથે પણ તેનું સેવન કરે છે. પરંતુ સાવધાન, સ્વાસ્થ્ય નિષ્ણાતો સફેદ બ્રેડને સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે. સફેદ બ્રેડનું સતત સેવન કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે.
ADVERTISEMENT
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બ્રેડને બનાવવા માટે તેમાં મુખ્યત્વે મેદાનો ઉપયોગ થાય છે, તેથી તેના વધુ પડતા સેવનથી પેટની અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય સફેદ બ્રેડ પોષણની દ્રષ્ટિએ પણ સારી માનવામાં આવતી નથી. તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ વધુ હોય છે, જેનું વધુ સેવન કરવાથી શરીર પર ઘણી હાનિકારક અસરો થઈ શકે છે. ચાલો જાણીએ નિષ્ણાંતો બ્રેડના સેવનથી બચવાની સલાહ કેમ આપે છે.
વધારી શકે છે બ્લડ સુગર લેવલ
આરોગ્ય નિષ્ણાતો સૂચવે છે કે સફેદ બ્રેડનું વધુ પડતું સેવન ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. સફેદ બ્રેડ ઝડપથી પચી જાય છે જેનાથી તે ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે અને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો કરી શકે છે. આ સિવાય આ પ્રકારના મેદામાંથી બનેલી બ્રેડમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ વધુ હોવાથી ખાંડનું સ્તર ઝડપથી વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ સફેદને બદલે બ્રાઉન અથવા ગ્રેન બ્રેડનું સેવન કરવું જોઈએ.
બ્રેડના સેવનથી વધી શકે છે વજન
બ્લડ શુગર લેવલ વધારવાની સાથે-સાથે સફેદ બ્રેડના વધુ પડતા સેવનથી વજન વધવાનું જોખમ પણ વધી જાય છે. કારણ કે આ પ્રકારની બ્રેડમાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સની વધુ માત્રા હોય છે જે શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થાય છે. આ સિવાય સફેદ બ્રેડ ઝડપથી પચી જાય છે, જેનાથી તમારી ભૂખ જીવંત રહે છે અને વધુ ખાવાની ઈચ્છા થાય છે. આ બંને સ્થિતિઓ શરીરમાં કેલરીની માત્રામાં વધારો કરે છે, જેના પરિણામે વજન વધી શકે છે. આરોગ્ય નિષ્ણાતો વધુ પડતા વજનને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ માને છે.
માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર
સ્ટડી સૂચવે છે કે, જેઓ વધુ શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ, જેમ કે સફેદ બ્રેડનું સેવન કરે છે તેમનામાં ડિપ્રેશનનું જોખમ પણ વધુ હોઈ શકે છે. તે તમારા મૂડ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં જૂન 2015માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને પોસ્ટ-મેનોપોઝલ સ્ત્રીઓમાં ડિપ્રેશનના જોખમ વચ્ચેની કડી શોધી કાઢી હતી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો શુદ્ધ કાર્બોહાઇડ્રેટવાળી વધુ વસ્તુઓનું સેવન કરે છે, તેઓમાં થાક, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ વધુ જોવા મળે છે. આથી તંદુરસ્ત આહાર તરીકે, નિષ્ણાતો તમામ લોકોને સફેદ બ્રેડને બદલે બ્રાઉન બ્રેડ પસંદ કરવાની સલાહ આપે છે.
ADVERTISEMENT