Covid Cases : દેશમાં શિયાળની શરૂઆત સાથે કોરોનાના કેસમાં પણ અચાનક વધરો થતો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1 ની એન્ટ્રી થઈ ચૂકી છે. આ અંગે હવે કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરી ચિંતા વ્યક્ત કરી છે.આ અંતર્ગત કેન્દ્રએ કહ્યું છે કે રાજ્યોએ કોવિડને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર સતત નજર રાખવી જોઈએ. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ આવતા SARI અને ILI કેસોના રિપોર્ટ પર નજર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યોને પર્યાપ્ત માત્રમાં RT-PCR ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. અહીં મળી આવેલા પોઝિટિવ સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબમાં મોકલવાની પણ સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
20મી ડિસેમ્બરે સ્વાસ્થ્ય મંત્રી બેઠક કરશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને કોરોનાના વધતાં કેસને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 20મી ડિસેમ્બરે આરોગ્ય મંત્રીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય/મુખ્ય સચિવો અને કેન્દ્રીય મંત્રાલયો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે.
તમિલનાડુમાં નોંધાયો હતો JN.1 સબ-વેરિઅન્ટ
ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. 8 ડિસેમ્બરે કેરળમાં કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1નો એક કેસ સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 79 વર્ષીય મહિલાના RT-PCR ટેસ્ટનો રિપોર્ટ 18 નવેમ્બરે આવ્યો હતો. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
ભારતમાં નોંધાયા 335 નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં રવિવારે 335 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે બાદ એક્ટિવ કેસ વધીને 1,701 થઈ ગયા છે. આ વચ્ચે કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ની પણ પુષ્ટિ થઈ છે.
અત્યાર સુધીમાં 5 લાખથી વધારે મૃત્યુ
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 5 વધુ દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 316 પર પહોંચ્યો છે. બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઈ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશમાં રિકવરી રેટ 98.81 ટકા તો મૃત્યુદર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વેક્સિનના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT