રાજકોટ અગ્નિકાંડ: 'રૂપિયા ખાઈને ભીનું સંકેલવા માગે છે ભાજપ', મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ પીડિત પરિવારોમાં આક્રોશ

Gujarat Tak

• 03:52 PM • 13 Jul 2024

Rajkot TRP Game Zone Fire Update: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથેની મુલાકાતને લઈને પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે.

follow google news

Rajkot TRP Game Zone Fire Update: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથેની મુલાકાતને લઈને પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે, અમે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દાઓ રજૂ કર્યા છે, મુલાકાતના 3 દિવસ થવા છતાં હજુ કોઈ કાર્યવાહી થઈ નથી, અમારો એકપણ મુદ્દો સંતોષાયો નથી. 

અમે સરકાર સમક્ષ કરી હતી 12 માંગો: અનિરુદ્ધસિંહ 

ધ્રોલના પીડિત પરિવારના સભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમે તેમની સમક્ષ 12 મુદ્દાની માંગણી કરી છે. અમને લેખિત કોઈ બાંહેધરી આપવામાં આવી નથી, પરંતુ તેઓએ અમને ખાલી એટલું જ કહ્યું કે અમે તમારી સાથે છીએ.


 
'રૂપિયા ખાઈને ભીનું સંકેલવા માગે છે આ ભાજપ સરકાર'

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, અમે જામનગરથી નીકળીને ગાંધીનગર પહોંચી ત્યાં સુધીમાં 5 જગ્યાએ અમને રોકવામાં આવે છે. અમારી ગાડીના કાગળો, ડ્રાઈવિંગ લાઈસન્સ, પીયુસી વિગેરે માંગવામાં આવે છે. એકપણ વસ્તુ ન હોય તો અમારે દંડ ભરવો પડે છે, કાં તો 500 કે 700 રૂપિયા લઈને જવા દેવામાં આવે છે. જો સરકારને એ રોડ ઉપરની આટલી બધી પડી છે, તો ટીઆરપી ગેમઝોન ત્રણ-ચાર વર્ષથી ચાલતું હતું, તો એ સરકારને ખબર નથી. સરકારને પૈસા સિવાય કઈ સૂઝતું જ નથી. રૂપિયા ખાઈને ભીનું સંકેલવા માગે છે આ ભાજપ સરકાર.

તમારા છોકરાને ખાલી દિવાસળી સળગાવને અડાડી જોવો: જાડેજા

તેમણે કહ્યું કે, રાજકોટ બંધ રાખવાની વાત હતી, ત્યારે રાજકોટના પોલીસ અધિકારીઓ વેપારીઓને ફોન કરી કરીને કહેતા હતા કે તમે બંધ ન રાખતા. હું તો રાજકોટની જનતાનો આભર માનું છું કે તેમણે સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી. સાથે જ ભાજપવાળા વારંવાર પીડિત પરિવારને મીડિયા સમક્ષ ન જવાનું દબાણ કરતા હતા. અમે શું કામ મીડિયા સમક્ષ ન જઈએ, તમારા છોકરાને દિવાસળી સળગાવીને ટચલી આંગળીએ અડાડો તો ખરા, પછી ખબર પડશે કે એની વેદના શું હોય. 

'ભાજપ નેતા વારંવાર કરે છે ફોન'

અનિરુદ્ધસિંહે ગુજરાત તક સાથેની વાતચીતમાં ભાજપ નેતામાં ગંભીર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે, અમે રાહુલ ગાંધીને મળવા ગયા હતા ત્યારે જામનગરના જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ત્યાં નહોતું જવાનું. કાં ભાઈ રમેશભાઈ મુંગરા તારા બાપની અમને બીક લાગે છે. તું કહે એમ અમારે કરવાનું છે. તમારા છોકરાને એકવાર આંગળી અડાડો. ખબર પડશે કે કેવી વેદના થાય છે. જો મુખ્યમંત્રીનો પુત્ર બિમાર હોય તો સરકાર દોડાદોડી કરવા લાગી હતી અને કરવું જ જોઇએ. અમે તો અમારો વ્હાલસોયાને ગુમાવ્યા છે તો અમને કંઇ નથી થતું હોય તેવું અનિરુદ્ધસિંહે જણાવ્યું છે. 


 

    follow whatsapp