Harsh Sanghvi ને પડકાર ફેંકતી ભરૂચ પોલીસ, દારુના અડ્ડા પર ચાલતા 'હપ્તારાજ' સામે એક્શન ક્યારે?

Gujarat Tak

• 08:46 PM • 10 Jul 2024

Bharuch News: ભરૂચ પોલીસ દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહી છે. જે પોલીસે દારુના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી પહોંચવું જોઈએ, પોલીસ ત્યાં માત્ર ને માત્ર હપ્તો ઉઘરાવા જાય છે.

follow google news

Bharuch News: ભરૂચ પોલીસ દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહી છે. જે પોલીસે દારુના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી પહોંચવું જોઈએ, પોલીસ ત્યાં માત્ર ને માત્ર હપ્તો ઉઘરાવા જાય છે. ભરુચ પોલીસ કઈ રીતે દારુ બંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસા કરતાં અનેક વીડિયો વાયરલ થયા છે. જેમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતાં અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે. નવાઈની વાત તો એ છે કે, વીડિયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જાણે કે ભરુચ પોલીસ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતી હોય કે તમે ભલે દારુબંધીની વાતો કરો પરંતુ ભરુચમાં દારુ તો વેચાશે જ.

ભરુચમાં દારુ બંધીની ધજાગરા

ભરુચમાં દારુ બંધીની ધજાગરા ઉડી રહ્યા છે. અનેક વિસ્તારોમાં દેશી - વિદેશી દારુનું વેચાણ થઈ રહ્યુ છે. જેના કારણે ક્રાઈમ રેટ પણ વધ્યો છે. ગુનો ઉકેલવામાં વ્યસ્ત રહેવાના બદલે કેટલાક પોલીસ કર્મીઓ હપ્તા ઉઘરાવવામાં મસ્ત રહે છે. જેના કારણે નિષ્ઠાવાન અને કર્મઠ તેમજ મહેનત કરનારા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઉપર પણ લાંછન લાગી રહ્યુ છે. કેટલાક હપ્તા ખોર પોલીસ કર્મી અને અધિકારીઓના કારણે આખે આખી ભરુચ પોલીસ પર છાંટા ઉડી રહ્યા છે.

આ પણ વાંચો:- દીકરીને બનાવવી છે ડોક્ટર? ગુજરાત સરકાર આપશે 6 લાખની સહાય, જાણી લો યોજનાની તમામ માહિતી

હાલમાં જ ભરુચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારના 35 થી વધુ વીડિયો વાયરલ થયા છે. જેમાં બી ડીવીઝન તેમજ અન્ય એજન્સીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એક દારૂના અડ્ડા પરથી પૈસા ઉઘરાવતા કેદ થયા છે. તેમાં માત્ર પુરૂષ નહીં પરંતુ મહિલા પોલીસ કર્માચારીનાં વીડિયો પણ વાયરલ થયા છે. દારુના અડ્ડાની બાજુમાં એક મકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઈ રહી છે. આ માત્ર એક અડ્ડાના વીડિયો વાયરલ થયા છે. ભરુચમાં અન્ય અડ્ડા ઉપર પણ આ જ રીતે હપ્તા વસૂલી થઈ રહી છે.

વીડિયો વાયરલ પણ પોલીસને કોઈ ગંભીરતા જ નહીં

સૌથી મોટી નવાઈની વાત એ છે કે, આ વીડિયો વાયરલ થયા બાદ પણ ભરુચ પોલીસમાં એવી કોઈ ગંભીરતા દેખાતી નથી કે આ માત્ર ભરુચ પોલીસની નહીં સમગ્ર ગુજરાત પોલીસની શાંખ અને નિષઠા પર સવાલ ઊઠ્યો છે. કારણ કે, આટલી મોટી ફજેતી થવા પછી પણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કોઈ એક્શન લીધા નથી. જેના કારણે ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓને પ્રોત્સાહન અને નિષ્ઠાવાન પોલીસ કર્મીઓને પ્રેરણા મળી રહી છે. ગૃહમંત્રી પડોશી જિલ્લા સુરતના વતની છે. તેમના પડોશમાં જ આ રીતે જો દારુ બંધીની ધજીયા ઉડતી હોય તો ગુજરાતના અન્ય સ્થળોની કલ્પના થઈ શકે છે. હર્ષ સંઘવી ત્વરીત એક્શન માટે જાણીતા છે ત્યારે આ મામલામાં વીડિયો ફુટેજ એકત્ર કરી હપ્તાખોર પોલીસ કર્મીઓ અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જવાબદારી જે પોલીસ અધિકારીઓને આપી છે તેવા પીઆઈ, ડીવાયએસપી, એસપીની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાવે તેવી લોકમાગ ઉઠી છે.

(બાઈલાઇન: ગૌતમ ડોડિયા, ભરૂચ)

    follow whatsapp