ભાવનગર: ડમીકાંડમાંથી સામે આવેલા તોડકાંડમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં યુવરાજસિંહની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમના નિકટના ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે બંને પાસેથી પોલીસે રૂ.10 લાખ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ADVERTISEMENT
યુવરાજસિંહના બે સાથીઓએ શું જણાવ્યું?
સમગ્ર મામલે પોલીસની તપાસ બાદ આજે સાંજે ફરી રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુનાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. અન્ય બે આરોપી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની અટકાયત કરીને નિવેદન નોંધવામાં આવ્યા છે. જેમાં તેમણે કબૂલ્યું છે કે એક કરોડ રૂપિયાના 10 ટકા લેખે 10 લાખ રૂપિયા મળ્યા છે. જે હવે રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
યુવરાજસિંહના સાળાની ઓફિસ બહારના સીસીટીવી પણ આવ્યા
આ સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે. જેમાં 3 એપ્રિલના રોજ પ્રદિપનું પેમેન્ટ આપીને પરત આવી પ્રદિપ અને જીગાને વિરાણી સર્કલ ઉતારવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ બાઇક મૂક્યું હતું અને બાદમાં તેઓ બાઈક લઈને ત્યાંથી જતા રહે છે. જ્યારે 4 એપ્રિલના સીસીટીવીમાં પ્રદિપનું પેમેન્ટ (પહેલો હપ્તો) વિકટોરીયા પ્રાઇમ ખાતે યુવરાજસિંહના સાળાની ઓફીસની બહાર પૈસાનો થેલો આપે છે. પેમેન્ટ આપીને લખુભા હોલથી TATA NEXON કારમાં પરત આવતા ધનશ્યામભાઇ, પ્રદિપ અને જીગાદાદા સીસીટીવીમાં દેખાય છે.
ADVERTISEMENT