ભાવનગર: ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાક દિવસથી પોલીસ કસ્ટડીમાં છે. આજે તેમના 7 દિવસના રિમાન્ડ પૂરા થતા ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટે યુવરાજસિંહના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
તોડકાંડના મુખ્ય સૂત્રધારે સમગ્ર બાબત રાજકીય ષડયંત્ર ગણાવ્યું
જ્યારે તોડકાંડમાં સંડોવાયેલા બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાને જેલ હવાલે કરવાનો કોર્ટ દ્વારા હુકમ કરાયો છે. આ બંને પાસેથી પોલીસ દ્વારા 10 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. જેલ હવાલે થતા પહેલા ઘનશ્યામ લાઘવાએ મોટું નિવેદન આપ્યું હતું. પૈસા લેવાના આક્ષેપ પર તેણે કહ્યું કે, અમે કોઈ વાતની પૃષ્ટિ કરતા નથી. અમને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. જ્યારે ડમીકાંડના મુખ્ય સૂત્રધાર એવા આરોપી શરદ પનોતે કહ્યું કે, અમે કોઈ વસ્તુ કરી નથી. આ રાજકીય સ્ટંટ છે.
યુવરાજસિંહ પર 1 કરોડનો તોડ કરવાનો આક્ષેપ
નોંધનીય છે કે, ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર બે આરોપીઓના નામ ન લેવા 1 કરોડ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ લાગ્યો છે. પોલીસ દ્વારા યુવરાજસિંહને 21મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવાયા હતા. આ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ પછી તેમના સાળાના મિત્રો પાસેથી રૂ.65 લાખ રિકવર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT