અમદાવાદ: ભાવનગર ડમી કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એકબાદ એક મોટા ખુલાસા કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા યુવરાજસિંહે આ વર્ષે માર્ચમાં યોજાયેલી ધો.12ની પરીક્ષા બે ડમી ઉમેદવારે આપી હોવાનો ખુલાસો કર્યો છે. અમરેલીની સ્કૂલમાં આ રીતે ડમી વિદ્યાર્થી બેસાડીને કોમર્સનું પેપર આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
યુવરાજસિંહે કહ્યું કે, પ્રકાશ દવેના કહેવાથી ઋષિ અરવિંદ બારૈયા નામના વ્યક્તિએ ધો.12ની કોમર્સની પરીક્ષા અમરેલીની તુની વિદ્યામંદિર સ્કૂલમાં આપી હતી. મારા પર માહિતી છુપાવવાનો આક્ષેપ લાગ્યો હતો. તેના માતા અને પી.કેના પત્નીએ ખોળો પાથરીને વિનંતી કરી હતી કે, આ વખતે જવા દો, બીજી વખત નહીં કરે. બાળકની જિંદગી બગડશે. પરંતુ જે માધ્યમો મારી પાસે ઉપલબ્ધ હતા, જેના દ્વારા મેં જવાબદાર અધિકારીઓ સમક્ષ તે પહોંચાડી હતી.
યુવરાજસિંહે આગળ કહ્યું, જે વિદ્યાર્થી બીજાની પરીક્ષા આપવા જતો હતો તેની પણ તપાસ કરી રહ્યા હતા. તેનું ગામ તળાજા પંથકનું પીપરાળા છે, ત્યાં અમે માહિતીની પુષ્ટિ કરી. ત્યાં ગામના પાટીયે જ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. અને તે વ્યક્તિની પૂછપરછ કરીને મેં વીડિયો બનાવ્યો છે. આ વીડિયો પંચની સાક્ષીમાં બનાવવામાં આવ્યો છે. આવતીકાલે મને જે ભાવનગર પોલીસે હાજરીનું સમન્સ આપ્યું છે તેમાં હું હાજરી આપવાનો છું. મારી નૈતિક જવાબદારીમાં ક્યાંક કાચો નહીં પડું.
માહિતી છુપાવવાનો જે કહેવાઈ રહ્યું છે તો એક નાનો 17 વર્ષનો બાળક છે, નાની માછલી છે. પરંતુ હું આવતીકાલે હું મોટા મગર મચ્છો, મોટા નેતાઓ, મંત્રીઓની વાત કરીશ. જેણે અમને ઓફર કરી, ડિનરમાં બોલાવ્યા તે તમામના નામ લખાવીશ. અમારું માનવું છે કે અમારા નિવેદન લેવાય તો તે નેતાઓના પણ નિવેદનો લેવાવા જ જોઈએ.
ADVERTISEMENT