અમદાવાદ: ડમી ઉમેદવાર કાંડ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે યુવરાજસિંહને ભાવનગર SOG સમક્ષ હાજર થવાનું સમન્સ હતું. યુવરાજસિંહ આજે 12 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થવાના હતા. આ દરમિયાન તેમના ધર્મપત્નીએ યુવરાજસિંહને લઈ મહત્વની અપડેટ આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું બિંદિયાબા એ
યુવરાજસિંહ જાડેજાના સતત વધતા જતા ઉજાગરા,પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશન ને કારણે તબિયત અચાનક લથડી છે. SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOG ને મેઈલ કરી લેખિત માં સમય માંગ્યો.
10 દિવસનો માંગ્યો સમય
યુવરાજ સિંહના ધર્મપત્ની બિંદિયાબાએ ટ્વિટ કરી જાણકારી આપી કે યુવરાજસિંહની તબિયત લથડી છે. આ સાથે ટ્વિટમાં પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આપ સાહેબ ઘ્વારા અમોને સી.આર.પી.સી. કલમ 160 મુજબના સમન્સ તા18/4/2023 ના રોજ મોકલાવેલ અને આજરોજ તા.19/04/2023 ના રોજ કલાક 12:00 વાગ્યે ભાવનગર એસ.ઓ.જી. પી.આઈ. સાહેબની કચેરી નવાપરા ડી.એસ.પી. કચેરી ખાતે ભરતનગર પોલીસ સ્ટેશનના ગુના નં.11198068230274/2023 ના ગુનાના કામે અમોનો જવાબ લેવા માટે થઈને સમન્સ આપવામાં આવેલ જે બાબતે અમો જણાવીએ છીએ કે,
અમોને આજરોજ સવારે અચાનક તબીયત લથડતા ચક્કર આવી જતા હાલ તમો સાહેબ ઘ્વારા આપવામાં આવેલ સમય અને સ્થળે અમો આવી શકીએ તેવી શારીરીક પરિસ્થિતિ ન હોવાથી અમોને આપ સાહેબ સમક્ષ રજુઆત તેમજ જવાબ દેવા સારૂ દીવસ-10 નો સમય આપવા વિનંતી છે.
આજે થવું પડશે હાજર
ભાવનગરમાં ડમીકાંડ કૌભાંડનો ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા હવે તપાસના ઘેરામાં આવ્યા છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું છે. યુવરાજસિંહે ડમીકાંડમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા. આ ઉપરાંત નાણાકીય વ્યવહાર અંગે ખુલાસો કરવા માટે પોલીસે તેમને સમન્સ પાઠવ્યું છે. આજે 19મી એપ્રિલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવાયું છે.
યુવરાજસિંહ પર 45 લાખ લેવાનો આક્ષેપ લાગ્યો
નોંધનીય છે કે ડમી કાંડ કૌભાંડમાં તાજેતરમાં જ યુવરાજસિંહના પૂર્વ સાથી એવા બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂ.45 લાખ લીધા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહે તમામ આરોપોને નકાર્યા હતા અને બિપિન ત્રિવેદી કોઈ રાજકીય વ્યક્તિનો હાથો બની ગયા હોવાનું કહ્યું હતું.
ડમીકાંડમાં 36 સામે નોંધાઈ ફરિયાદ
નોંધનીય છે કે, ડમીકાંડમાં અત્યાર સુધીમાં ભાવનગર પોલીસે 36 સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. જ્યારે મોટાભાગના આરોપીઓ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી. જેમને પકડવા માટે SIT અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. જ્યારે અગાઉ 4 જેટલા આરોપીઓ પકડાયા હતા. બાદમાં વધુ બે આરોપી પકડાતા તેમને હાલમાં રિમાન્ડ પર મોકલાયા છે.
ADVERTISEMENT